PM Modi on PoK: સંસદમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ સરકારને પૂછ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પીઓકે કેમ પાછું ન લેવામાં આવ્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાં પોતાના ભાષણમાં આનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે આ ઓપરેશન ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ તરીકે નોંધાયું છે.
જ્યારે હું નેહરુનું નામ લઉં છું... પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આજે જે લોકો પૂછી રહ્યા છે કે પીઓકે કેમ પાછું ન લેવામાં આવ્યું, તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે કોની સરકારે પાકિસ્તાનને પીઓકે પર કબજો કરવાની તક આપી? પંડિત જવાહરલાલ નેહરુ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, 'જ્યારે હું નેહરુજીનું નામ લઉં છું ત્યારે કોંગ્રેસ અને તેની આખી ઇકોસિસ્ટમ અસ્વસ્થ થઈ જાય છે.'
આઝાદી પછી લેવામાં આવેલા નિર્ણયોની સજા આજ સુધી દેશ ભોગવી રહ્યો છે: મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આઝાદી પછી કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની સજા દેશ આજ સુધી ભોગવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે અક્સાઈ ચીન જેવા વિસ્તારને 'ઉજ્જડ જમીન' કહીને છોડી મુકવામાં આવ્યો અને આ કારણે ભારતે 38 હજાર ચોરસ કિલોમીટર જમીન ગુમાવવી પડી હતી.
સિંધુ જળ સંધિ ભારત સાથે દગો
તેમણે કહ્યું હતું કે, 'સિંધુ જળ સંધિ ભારતની અસ્મિતા અને આત્મસન્માન સાથે મોટો દગો હતો. દેશનો એક મોટો ભાગ પાણીના સંકટમાં ધકેલાઈ ગયો હતો.' દેશના પહેલા વડાપ્રધાન પર નિશાન સાધતા મોદીએ કહ્યું હતું કે આ કરારને કારણે દેશ પાછળ રહી ગયો, 'આપણા ખેડૂતોને નુકસાન થયું. નેહરુજી એ ડિપ્લોમેસીને જાણતા હતા જેમાં ખેડૂતોનું કોઈ અસ્તિત્વ નહોતું'
કાંપ સાફ ન કરવાની શરત પણ સ્વીકારવામાં આવી હતી
તેમણે દાવો કર્યો હતો કે નેહરુજીએ પાકિસ્તાનની વિનંતી પર આ શરત સ્વીકારી હતી કે ડેમમાં જમા થયેલ કાંપ પણ સાફ કરી શકતા નહોતા. તેમણે કહ્યું કે પછીની કોંગ્રેસ સરકારોએ પણ નેહરુજીની આ ભૂલ સુધારી ન હતી, પરંતુ આ જૂની ભૂલ હવે સુધારી લેવામાં આવી છે અને નક્કર નિર્ણય લેવામાં આવ્યો છે.
નેહરુજીની ભૂલ હવે સ્થગિત કરવામાં આવી છે
વડાપ્રધાને કહ્યું હતું કે, 'નેહરુની 'ભૂલ' (સિંધુ જળ સંધિ) હવે દેશ અને ખેડૂતોના હિતમાં સ્થગિત કરવામાં આવી છે. ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી.' તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે રાષ્ટ્રીય સુરક્ષાનું 'વિઝન' પહેલા નહોતું કે આજે પણ નથી અને તેણે 'હંમેશા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કર્યું છે.'
મુંબઈ હુમલા પછી પણ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ: મોદી
ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષી પક્ષોના સભ્યો દ્વારા રાજદ્વારી નિષ્ફળતાના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા વડા પ્રધાને કહ્યું હતું કે, 'કોંગ્રેસના જે લોકો આ દિવસોમાં અમને 'ડિપ્લોમેસી' પર પાઠ ભણાવી રહ્યા છે, હું તેમને તેમની ડિપ્લોમેસી યાદ અપાવવા માંગુ છું.'
તેમણે કહ્યું હતું કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પછી પણ કોંગ્રેસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ યથાવત રહ્યો હતો અને હુમલાના થોડા અઠવાડિયામાં વિદેશી દબાણ હેઠળ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરી હતી.
બાટલા હાઉસ અને મોસ્ટ ફેવર્ડ નેશન પર પણ હુમલા
તેમણે ઉલ્લેખ કર્યો કે બાટલા હાઉસ એન્કાઉન્ટર પછી એક મોટા કોંગ્રેસી નેતા રડી રહ્યા હતા અને મત મેળવવા માટે આ ઘટના સંબંધિત સમાચાર દેશના દરેક ખૂણામાં ફેલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે યુપીએ સરકારે પાકિસ્તાનને 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો આપ્યો હતો, જે તેણે ક્યારેય પાછો ખેંચ્યો નહીં.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ આઝાદી પછી લેવામાં આવેલા નિર્ણયોની સજા ભોગવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, 'અક્સાઈ ચીનના સમગ્ર વિસ્તારને ઉજ્જડ જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણે આપણે દેશની 38,000 ચોરસ કિલોમીટર જમીન ગુમાવવી પડી. 1962 થી 1963 દરમિયાન કોંગ્રેસના નેતાઓ જમ્મુ અને કાશ્મીરના પૂંછ, ઉરી અને નીલમ ખીણ અને કિશનગંગા છોડવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા હતા.'
કચ્છના રણથી લઈને હાજીપીર સુધી બધું જ ગુમાવી દીધું હતું
તેમણે કહ્યું કે 1966માં આ લોકોએ 'કચ્છના રણ' પર મધ્યસ્થી સ્વીકારી હતી. તેમણે પ્રશ્ન કર્યો કે શું આ તેમનું 'રાષ્ટ્રીય સુરક્ષાનું વિઝન' હતું. મોદીએ કહ્યું હતું કે , 'ભારતે 800 ચોરસ કિલોમીટર વિસ્તાર પાકિસ્તાનને સોંપી દીધો, જેમાં છડબેટ પણ શામેલ છે. 1965ના યુદ્ધમાં અમારી સેનાએ હાજીપીર પાસ (જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત પાસ) જીતી લીધો હતો પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે તે પરત કરી દીધો.' તેમણે કહ્યું હતું કે કરતારપુર સાહિબ પાછું લઈ શકાયું હોત પણ તેને છોડી દેવામાં આવ્યું હતું અને 1974માં કચ્છથીવુ ટાપુ શ્રીલંકાને 'ભેટ' આપવામાં આવ્યો હતો.
ઓપરેશન સિંદૂર હજુ પૂરુ થયું નથી: મોદી
તેમણે કહ્યું હતું કે, 'અમે પાકિસ્તાનને ભારતના ભવિષ્ય સાથે રમવા દઈશું નહીં. તેથી ઓપરેશન સિંદૂર હજુ પૂરુ થયુ નથી. તે ચાલુ છે. અને આ પાકિસ્તાન માટે એક ચેતવણી પણ છે કે જ્યાં સુધી તે ભારત વિરુદ્ધ આતંકવાદનો માર્ગ બંધ નહીં કરે, ત્યાં સુધી ભારત 'કાર્યવાહી' કરતું રહેશે.