જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ રાજ્યના બિન-કાશ્મીરીઓ અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકો પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં એક સ્થાનિક નાગરિકનું મોત થયું છે, જ્યારે બે બિન-કાશ્મીરી કામદારો ઘાયલ થયા છે.


સોમવારે પુલવામા જિલ્લાના ગાંગુ ગામમાં સર્કલ રોડ પર બંદૂકધારી આતંકવાદીએ એક પરપ્રાંતિય કામદારની ગોળી મારી દીધી. મજૂરનું નામ બિસુજીત કુમાર છે અને તે બિહારનો રહેવાસી છે. આજે એક કલાકની અંદર આ બીજો હુમલો છે. પોલીસે જણાવ્યું કે ઘાયલ મજૂરને પુલવામાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ સમગ્ર ઘટના સ્થળને સુરક્ષા દળોએ ઘેરી લીધું છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.


સ્થાનિક નાગરિકની હત્યા


તો બીજી તરફ આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ગોટપોરા ખાતે તજમુલ મોહિઉદ્દીન નામના વ્યક્તિને ગોળી મારી હતી. મોહિઉદ્દીન પર તેના ઘર પાસે હુમલો કરવામાં આવ્યો હતો. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યુંં હતું. આ પહેલા રવિવારે પણ એક પરપ્રાંતિય મજૂર, જે સુથારનું કામ કરતો હતો, તેને આતંકવાદીઓએ ગોળી મારી હતી. આ ઘટના પણ પુલવામા જિલ્લામાં જ બની હતી.


થોડા દિવસ પહેલા આતંકીઓએ CRPF જવાન પર ફાયરિંગ કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાંના રહેવાસી CRPF જવાન મુખ્તાર અહેમદ દોહી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ જવાનનું મોત નીપજ્યું હતું. અહેવાલો અનુસાર, જે જવાન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, તે રજા પર પોતાના ઘરે આવ્યો હતો. આ હુમલા પર પ્રતિક્રિયા આપતા ઓમર અબ્દુલ્લાએ લખ્યું છે કે થોડા દિવસોમાં ઑફ-ડ્યુટી સુરક્ષા કર્મચારીઓ, મુખ્ય ધારાના રાજકીય કાર્યકરો અને નાગરિકોની હત્યાઓમાં વધારો થયો છે. શહીદ સીઆરપીએફ જવાન મુખ્તાર અહેમદના પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેઓને સ્વર્ગમાં સ્થાન મળે.