Uttarakhand : પુષ્કર સિંહ ધામી સતત બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી હતી. તેઓ 23 માર્ચે સીએમ તરીકે શપથ લેશે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પુષ્કર સિંહ ધામી ખાતિમા બેઠક પરથી હાર્યા હતા, ત્યારપછી મુખ્યમંત્રીના નામને લઈને ભાજપમાં મડાગાંઠ શરૂ થઈ ગઈ હતી. ભાજપે ધામીના નામ પર મહોર લગાવવામાં 11 દિવસનો સમય લીધો હતો. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવ્યા હતા.
પુષ્કર સિંહ ધામીના નામે અનેક સિદ્ધિઓ
તિરથ સિંહ રાવતના રાજીનામા બાદ જુલાઈ 2021માં પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 45 વર્ષની ઉંમરે સત્તા સંભાળી અને રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. ધામીને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભગત સિંહ કોશ્યારીના શિષ્ય તરીકે ગણવામાં આવે છે. તેમણે તેમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અને સલાહકાર તરીકે સેવા આપી છે.
પુષ્કર સિંહ ધામીએ તેમની રાજકીય કારકિર્દી 1990માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે શરૂ કરી હતી અને બે વખત ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા. તેમણે સ્થાનિક યુવાનો માટે ઉદ્યોગોમાં નોકરીઓ આરક્ષણ માટે ઝુંબેશ ચલાવી હતી.
સૈન્ય પરિવારમાં થયો છે જન્મ
પુષ્કર સિંહ ધામીના પિતા લશ્કરમાં સુબેદાર તરીકે નિવૃત્ત થયા હતા. તેમનો જન્મ પિથોરાગઢના ટુંડી ગામમાં થયો હતો, ધામીનો પરિવાર તેમના મૂળ ગામ હરખોલાથી ત્યાં શિફ્ટ થયો હતો. જ્યારે પુષ્કર સિંહ ધામી ધોરણ 5 માં હતા, ત્યારે તે ખાતિમામાં રહેવા ગયા હતા, જે પાછળથી ધામીની 'કર્મભૂમિ' બની. તેઓ ત્યાંથી બે વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા. તેઓ લખનૌ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપન અને ઔદ્યોગિક સંબંધોમાં સ્નાતક થયા અને કાયદાની ડિગ્રી પણ ધરાવે છે.
પુષ્કર સિંહ ધામીનો ટૂંકો પરિચય
જન્મ- 16 સપ્ટેમ્બર 1975
જન્મ સ્થળ- પિથોરાગઢ, ઉત્તરાખંડ
કર્મ સ્થળ- ખાતિમા, ઉત્તરાખંડ
શૈક્ષણિક લાયકાત: અનુસ્નાતક (માનવ સંસાધન વ્યવસ્થાપન અને ઔદ્યોગિક સંબંધો), એલએલબી
રાજકીય કારકિર્દીની શરૂઆત - 1990
પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા યુવા મોરચા, ઉત્તરાખંડ (2002 થી 2008 સુધી સતત બે ટર્મ)
2012-2017- MLA
2017-2022-MLA