નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે આજે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય દ્વારા કરવામાં આવી રહેલા સામૂહિક પ્રયાસોની અસર જોવા મળી રહી છે. લોકડાઉનનો પ્રભાવ પડી રહ્યો અને તેનો ફાયદો મળી રહ્યો છે.


પીએમ મોદીએ કહ્યું, સમગ્ર વિશ્વમાં લોકડાઉન સૌથી અસરકારક રહ્યું છે અને ભારત બીજા દેશોની તુલનામાં સારી સ્થિતિમાં છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે ચર્ચામાં તેમના સૂચનો કર્યા હતા. કોરોના વાયરસના મામલા નિયંત્રણમાં રહે તે માટે દેશના કેટલાક રાજ્યો લોકડાઉનને 3 મે બાદ પણ ચાલુ રાખવા ઈચ્છુક છે.


કોરોના વાયરસને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,892 પર પહોંચી છે. જેમાંથી 872 લોકોના મોત થયા છે અને 6184 લોકો સાજા થઈ ગયા છે.

દેશમાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 20,835 છે. 8068 સંક્રમિતો સાથે મહારાષ્ટ્ર પ્રથમ, 3301 સંક્રમિતો સાથે ગુજરાત બીજા અને 2918 સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા નંબર પર છે.