Tatanagar-Ernakulam Express: આંધ્રપ્રદેશના યલમંચિલીમાં સોમવારે (29 ડિસેમ્બર, 2025) એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચ B1 અને M2 માં અચાનક આગ લાગી ગઈ હતી. આગને કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા મુસાફરોએ સમયસર ટ્રેનમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતમાં કોચ B1 અને M2 સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે ઘણા અન્ય મુસાફરો બચી ગયા હતા. રાત્રે 12:00 થી 1:00 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી.
આગની માહિતી મળતા જ લોકોમોટિવ પાયલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. રેલવે સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું.
પોલીસ અધિકારીએ માહિતી આપી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત યલમંચિલીની નજીક થયો હતો. અધિકારીઓને સોમવારે રાત્રે 12:45 વાગ્યે આગની માહિતી મળી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગ લાગી ત્યારે એક અસરગ્રસ્ત કોચમાં 82 મુસાફરો અને બીજામાં 76 મુસાફરો હતા. તેમણે ઉમેર્યું, "કમનસીબે, કોચ B1 માંથી એક મૃતદેહ મળી આવ્યો છે."
તપાસ શરૂ
અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક માહિતી દર્શાવે છે કે બંને કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને નિરીક્ષણ કરી રહ્યા છે. સલામતીના કારણોસર બંને કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હાજર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગ ખૂબ જ ગંભીર હતી. જાનહાનિનો ચોક્કસ આંકડો નક્કી કરવા અને આગનું કારણ ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, ટ્રેનના પેન્ટ્રી કારની નજીક સ્થિત બી-1 અને એમ-2 એસી કોચમાં આગ લાગી હતી. આગ જોઈને લોકો પાયલટે સમજદારીથી કામ કરીને યલમંચિલી સ્ટેશન નજીક ટ્રેનને રોકી દીધી હતી. ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયર ફાઇટર પહોંચ્યા ત્યાં સુધીમાં બંને કોચ સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગયા હતા. ગભરાયેલા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરીને સ્ટેશન પરિસરમાં દોડી ગયા. આખું રેલ્વે સ્ટેશનમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. અનકાપલ્લી,અલમંચિલી અને નક્કાપલ્લેથી અનેક ફાયર ફાઈટર્સ પહોંચ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
તપાસમાં શું બહાર આવ્યું?
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે B-1 એસી કોચના બ્રેક જામ થવાને કારણે આગ લાગી હતી. B-1 કોચમાં મુસાફરી કરી રહેલા વિશાખાપટ્ટનમના 70 વર્ષીય રહેવાસી ચંદ્રશેખર સુંદરનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તમામ મુસાફરોનો સામાન પણ નાશ પામ્યો હતો. અકસ્માતને કારણે વિશાખાપટ્ટનમ-વિજયવાડા રેલ રૂટ પર ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.