મુંબઈઃ ડુંગળની કિંમત એટલી વધી ગઈ છે કે હવે તેની ચોરી થવાના અહેવાલો આવી રહ્યા છે. આવી જ એક ઘટના મુંબમાં સામે આવી છે, જ્યાં ચોરોએ 168 કિલો ડુંગળી પર હાથ સાફ કર્યો છે. ઘટના મુંબઈના ડોંગરી બજારની છે. બે શાકભાજી વેન્ડરએ કેસ નોંધાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે સવારે જ્યારે પોતાની દુકાન ખોલી તો ડુંગળીની બોરીઓ ગાયબ હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

જાહેર માર્ગ પર આવેલી આ દુકાનમાં 22 બોરી ડુંગળી હતી. આ વાતનો લાભ લઈ 2 ચોરોએ 112 કિલો ડુંગળીની ચોરી કરી હતી, જેની આજની તારીખમાં કિંમત જોઈએ તો તે 13,440 રૂપિયા જેટલી થાય. આ બંનેએ બાજુની દુકાનમાંથી પણ 56 કિલો ડુંગળીની ચોરી કરી હતી. કુલ મળીને બંનેએ 21,660 રુપિયાની ડુંગળીની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ અંગે ડોંગરી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પોલીસે સીસીટીવીની મદદથી બંને ચોરની ધરપકડ કરી છે.




તો આવી જ એક ઘટના મધ્યપ્રદેશના શિવપુરીમાં પણ ઘટી છે જ્યાં ટ્રકમાં લદાયેલી 20 લાખ રૂપિયાની ડુંગળીની ચોરીની ઘટના ઘટી છે. નાસિકના વેપારી પોતાની ડુંગળીનો માલ ગોરખપુર લઈ જઈ રહ્યાં હતા ત્યારે શિવપુરી પાસે ટ્રકમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ હતી. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.