અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં રોકેટ ગતિએ કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના સામે હાલમાં એક્સિર ઇલાજ ગણાતી રસી લેવામાં લોકોના ઉદાસિનતા જોવા મળી રહી છે. તેમાં પણ પ્રથમ ડોઝ જે લોકો મુકાવે છે તેમાંથી બીજા કે ત્રીજા ભાગના લોકો જ બીજો ડોઝ મુકાવે છે જેના કારણે સરવાળે રસીકરણ નિષ્ફળ જાય છે.


ભારતમાં ગુરુવાર સાંજ સુધીમાં એક જ દિવસમાં 30 લાખ લોકોએ કોરોના રસી લીધી હતી. આમ ભારતમાં અત્યાર સુધીમાં પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 13.5 કરોડ લોકોએ રસીના ડોઝ લીધા છે. જેમાંથી ૯૨,૪૧,૩૮૪ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે ૫૯,૦૩,૩૬૮ હેલ્થ વર્કર્સે બીજો ડોઝ લીધો છે. એટલે કે 32 લાખ હેલ્થ વર્કરો બીજો ડોઝ લેવા આવ્યા જ નથી.


જ્યારે ૧,૧૭,૨૭,૭૦૮ ફ્રન્ટ લાઇન વર્કર્સે પ્રથમ ડોઝ લીધો પણ બીજા ડોઝનો ૬૦,૭૩,૬૨૨ જ  લીધો. આમ ૫૦ લાખથી વધારે ફ્રન્ટ લાઈન વર્કર્સે તો બીજો ડોઝ લીધો જ નહીં કે હવે પછી લેશે.


45થી 60 વર્ષના ગ્રુપની વાત કરીએ તો  ૪,૧૫,૧૦,૪૨૬ લોકોએ પ્રથમ ડોઝ લીધો જ્યારે ૧૮,૯૧,૧૬૦ નાગરિકોએ જ બન્ને ડોઝ લીધા છે. જ્યારે 60 વર્ષથી વધુ વયના ૪,૮૫,૦૧,૯૦૬ લોકોમાંથી માત્ર ૬૪,૯૭,૧૫૫ લોકોએ બીજો ડોઝ લીધો છે. દેષમાં પ્રથમ ડોઝનું કુલ રસીકરણ જોઈએ તો ૧૦,૭૩,૭૧,૭૭ અને બીજો ડોઝ 1,64,00,796 એટલે કે 9માં કે 10માં ભાગનું છે. આમ ભારતમાં કુલ વસ્તીના 8.86 ટકાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે પણ બન્ને ડોઝ લેનાર લોકોની સંખ્યા માત્ર 1.36 ટકા જેટલી જ થવા જાય છે.


ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ૯૩,૨૯,૪૯૧ લોકોએ પ્રથમ ડોઝ અને ૧૭,૭૦,૦૯૫એ બીજો ડોઝ લીધો છે. ગુજરાતમાં કુલ રસીકરણની સંખ્યા ૧,૧૦,૯૯,૫૮૬ છે. આમ ગુજરાતની 6.5 કરોડની વસ્તીમાંથી માત્ર 17.70 લાખ લોકોએ જ બીજો ડોઝ લીધો છે. ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનાર કરતાં બીઝો ડોઝ લેનાર લોકોની સંખ્યા પાંચમાં ભાગની છે.


કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા મહારાષ્ટ્રમાં તો આ આંકડો વધારે ચિંતાજનક છે. મહારાષ્ટ્ર 0.8 ટકા વેક્સિનેશન ધરાવે છે. ગુજરાતમાં 1.61 ટકાએ બન્ને ડોઝ તો દિલ્હીમાં 2.73 ટકાએ બન્ને ડોઝ લીધા છે. બીજી બાજુ રસીકરણ કેન્દ્ર કરતાં કોરોના ટેસ્ટિંગ માટે ભીડ વધારે જોવા મળી રહી છે.


જો આ ગતિએ જ કોરોના રસી મુકાશે તો બન્ને ડોઝ પુરા કરતાં દેશને આઠ વર્ષથી પણ વધારેનો સમય લાગી શકે છે. તબીબો કહે છે કે ૧૧.૬ કરોડ કોવિશીલ્ડ રસી મુકાવનારાઓ પૈકી પ્રથમ ડોઝ બાદ માત્ર ૦.૦૨ ટકા અને બીજો ડોઝ મુકાવ્યા બાદ ૦.૦૩ ટકા નાગરિકોના રીપોર્ટ જ પોઝિટિવ આવ્યા છે. આ પોઝિટિવ દર્દીઓને પણ કોરોનાની રસી રક્ષણ પુરુ પાડે છે તે પુરવાર થયું છે. અને તેઓમાંથી મહત્તમ હોમ કવોરન્ટાઇન થઇને જ બીમારીમાંથી મુકત થયા છે.