લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિંદુ સંસ્કૃતિને ભારતની એકમાત્ર સંસ્કૃતિ ગણાવતા રવિવારે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ફક્ત અમે જ કરીશું અન્ય કોઇ કરી શકશે નહીં. યોગી અહીં આયોજીત યુવા કુંભમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત એક રાષ્ટ્ર છે. તેની એક જ સંસ્કૃતિ છે. ભારતનો વિચાર એક છે. અહીં ભાષાઓ, જાતિ, ક્ષેત્ર, ખાણી-પીણી, રંગરૂપ, બોલી-ભાષા અલગ અલગ હોઇ શકે છે. ભારત રાજકીય રીતે ભલે અલગ રહ્યો હોય પરંતુ તેની એક જ સંસ્કૃતિ છે. જે હિંદુ સંસ્કૃતિના રૂપમાં ઓળખાય છે. તેના પર તમામ લોકોને ગર્વ હોવો જોઇએ.
મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, અહીં કેટલાક લોકો રામ જન્મભૂમિ અંગે બોલી રહ્યા હતા. રામ મંદિરનું નિર્માણ અમે જ કરીશું અમારી સિવાય કોઇ નહી કરે. યોગીએ પોતાની સરકારની યોજનાઓ અને સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલમાં 69 હજાર શિક્ષકો અને પોલીસમાં 50 હજાર યુવાઓની ભરતીની કાર્યવાહી ચાલી રહી છે જેને 2019ના પ્રારંભમાં પૂરી કરી લેવામાં આવશે. એક જિલ્લો એક ઉત્પાદન યોજના મારફતે આગામી પાંચ વર્ષોમાં 20 લાખ યુવાઓને રોજગારી આપવામાં આવશે. રાજ્યમાં રોકાણ માટે માહોલ બનાવીને લાખો યુવાઓને સન્માનજનક રીતે આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.