પટણા: બિહારમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવા માટે દરેક જિલ્લાના ડીએમ કેટલીક શરતો સાથે મંજૂરી આપશે. લોકડાઉન દરમિયાન માલવાહક વાહનો અને વાહન ચાલકોને સરળતાથી જમવાનું મળે, એટલે પરિવહન સચિવે 20 એપ્રિલ બાદ ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવા માટે આદેશ આપ્યા છે.


આ સંબંધમાં પરિવહન સચિવ સંજય કુમાર અગ્રવાલે તમામ જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિક્ષકને આદેશ આપ્યા છે.

પરિવહન સચિવ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું કે લોકડાઉનમાં તમામ પ્રકારના માલવાહક વાહનોને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન વાહન ચાલકોની સુવિધા માટે બંધ ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. કોવિડ-19 સંક્રમણ રોકવા માટે ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ જિલ્લાઓ અંતર્ગત આવનારા દરેક નેશનલ હાઈવે પર શહેરથી ઓછામાં ઓછા 10 કિલોમીટર દૂર ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલી શકાય છે. ઢાબા પર સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી હશે અને તમામ સ્ટાફને પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. એનએચની લંબાઈ વધુ હોવા પર પ્રત્યેક 15 કિલોમીટર પર એક રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી શકાય છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા પ્રશાસન દ્વારા ઢાબા સ્થળને પસંદ કરવામાં આવે. સરહદી જિલ્લા સાથે સમન્વય કરી બે જિલ્લાઓ વચ્ચે ઢાબાની સંખ્યા અને સ્થળ પસંદ કરવામાં આવે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ઢાબા રસ્તાની બંને તરફ છે.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વ્યવસ્થા કરવામાં આવે કે તૈયાર ભોજન લોકો પોતાના વાહનમાં જમે. ઢાબા પર બેસવાની પરવાનગી ન આપવામાં આવે. નહીતર ત્યાં કારણ વગર ખોટી ભીડ એકઠી થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થશે.