Operation Ajay:  212 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયેલથી પ્રથમ ફ્લાઈટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. આ દરમિયાન મુસાફરોએ 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એરપોર્ટ પર નાગરિકોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર કોઈ પણ ભારતીયને ક્યારેય પાછળ નહીં છોડે. અમારી સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીયોએ કહ્યું કે  અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રાલયની ટીમ, એર ઈન્ડિયાની આ ફ્લાઈટના ક્રૂના આભારી છીએ જેમણે આ શક્ય બનાવ્યું અને અમારા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ અને તેમના પ્રિયજનોને ઘરે પાછા લાવ્યાં.






ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી ભારત આવેલી મહિલા સ્વાતિ પટેલે જણાવ્યું હતું કે અહીં આવીને ખૂબ આનંદ થાય છે. સાયરન વાગે ત્યારે બધા ખૂબ જ ડરી જતા હતા. સાયરન વાગે ત્યારે શેલ્ટરમાં જવું પડતું હતું. અમે અહીં સુરક્ષિત અનુભવીએ છીએ. જ્યારે પણ સાયરન વાગે ત્યારે અમારે દોઢ મિનિટમાં શેલ્ટરમાં જવું પડતું હતું






અન્ય એક મહિલાએ કહ્યું કે મારો પુત્ર માત્ર પાંચ મહિનાનો છે, અમે જે જગ્યાએ હતા તે સુરક્ષિત હતી, પરંતુ ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને અમારા પુત્ર માટે અમે ભારત આવવાનું નક્કી કર્યું. પહેલી રાત્રે અમે સૂતા હતા જ્યારે સાયરન વાગ્યું, અમે છેલ્લા બે વર્ષથી ત્યાં હતા. આવી સ્થિતિ અમે પહેલા ક્યારેય જોઈ ન હતી. અમે બે કલાક શેલ્ટરમાં રહ્યા. હું ભારત સરકાર અને વડા પ્રધાનનો આભાર માનું છું.






'ઈઝરાયલ સરકાર પણ રાત-દિવસ કામ કરી રહી છે'


મનોજ કુમારે જણાવ્યું કે હું ત્યાં પોસ્ટ ડોક્ટરલ ફેલો તરીકે કામ કરતો હતો. મારી પત્ની અને ચાર વર્ષની પુત્રી પણ મારી સાથે છે. હું તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો તેમના સહયોગ માટે આભાર માનું છું. આ સાથે હું સુરક્ષિત રીતે ભારત આવવા માટે ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનું છું. ઈઝરાયેલની સરકાર પણ દિવસ-રાત કામ કરી રહી છે.






અન્ય એક ભારતીય નાગરિકે કહ્યું કે ઇઝરાયેલમાં યુદ્ધ શરૂ થયા બાદ અમને ભારતમાંથી અમારા પરિવાર અને મિત્રોના ફોન આવવા લાગ્યા. બધાને અમારી ચિંતા હતી. આ ઓપરેશનને અમારા માટે ઈઝરાયેલથી સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ હું ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનું છું.


ઈઝરાયેલથી ભારત આવેલી સીમા બલસારાએ કહ્યું કે હું એર ઈન્ડિયા વતી તેલ અવીવમાં એરપોર્ટ મેનેજર તરીકે કામ કરતી હતી, હું છેલ્લા 10 મહિનાથી ત્યાં હતી. છેલ્લા 4-5 દિવસથી અહીં સ્થિતિ તંગ છે. અમે તે પરિસ્થિતિનો સામનો કર્યો અને હવે અમે અહીં છીએ. મારો પરિવાર ભારતમાં રહે છે, હું ત્યાં તેલ અવીવમાં રહેતી હતી.