Opereation Sindoor Live: ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, 10 મે સુધી બંધ રહેશે નવ એરપોર્ટ
Operation Sindoor: ભારતીય સરહદ પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના સીઝ ફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
બ્રેકગ્રાઉન્ડ
Operation Sindoor: 'ઑપરેશન સિંદૂર'ને લઈને વધુ એક સમાચાર આવ્યા છે. સરહદ પર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. પાકિસ્તાનની ગોળીબારીમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હતા. ભારતીય સરહદ પર પાકિસ્તાન...More
ઓપરેશન સિંદૂર પછી ભારતે એક મોટો નિર્ણય લીધો છે. દેશના 9 એરપોર્ટ 10 મે સુધી બંધ રહેશે. આમાં શ્રીનગર, ચંડીગઢ, અમૃતસર અને લેહ એરપોર્ટનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડની મુલાકાત લેવાના હતા પરંતુ તેમની મુલાકાત હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી સતત બેઠકો કરી રહ્યા છે.
ભારતીય સેનાની મહિલા અધિકારી લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી પાકિસ્તાની આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી દુનિયાને આપી હતી. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા અધિકારી છે. તેઓ હાલમાં સિગ્નલ કોર્પ્સમાં સેવા આપે છે. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી છે જે આર્મી ટ્રેનિંગ 'એક્સરસાઇઝ ફોર્સ 18' પ્રોગ્રામને લીડ કરી રહ્યા છે.
35 વર્ષીય સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ કર્નલ રેન્કના અધિકારી છે. તેઓ સિગ્નલ કોર્પ્સમાં સેવા આપી રહ્યા છે. કર્નલ કુરેશી ગુજરાતના વડોદરાના વતની છે. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. ગુજરાતની સોફિયાએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, જે તેના અભ્યાસ અને આર્મી તાલીમ વચ્ચે સંપૂર્ણ સંકલન દર્શાવે છે. તે સિગ્નલ કોર્પ્સમાંથી છે, જે સેનાના કોમ્યુનિકેશન અને માહિતી પ્રણાલીની જવાબદારી સંભાળે છે.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, મરકજ સુભાનઅલ્લાહ જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું. આતંકવાદીઓને અહીં તાલીમ આપવામાં આવતી હતી. કોઈ લશ્કરી સ્થાનને નિશાન બનાવવામાં આવ્યું ન હતું અને કોઈ નાગરિક જાનહાનિ થઈ ન હતી.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, માર્ચ 2025માં જમ્મુ અને કાશ્મીરના ચાર સૈનિકોની હત્યા કરવામાં આવી હતી. તેને તેને પાકિસ્તાનની અંદર સ્થિત આતંકવાદી કેમ્પમાં તાલીમ આપવામાં આવી હતી. મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓના ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન નિર્દોષ નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
વિક્રમ મિસરીએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું કે, ભારતે આતંકવાદ સામે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. પહલગામ હુમલાનો ઉદ્દેશ્ય દેશમાં કોમી રમખાણો ભડકાવવાનો છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, ભારતે આતંકવાદને ખત્મ કરવા માટે જવાબ આપ્યો છે. આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ અટકાવવા માંગે છે. ટીઆરએફ લશ્કર સાથે જોડાયેલું સંગઠન છે. પહલગામ હુમલામાં TRF સામેલ છે.
વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, હુમલાના પખવાડિયા પછી પણ પાકિસ્તાને આતંકવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. તેમણે વળતા આરોપો લગાવ્યા હતા. ભારત સામે વધુ હુમલા થઈ શકે છે.
વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી TRF એ લીધી છે. હુમલાખોરોની પણ ઓળખ થઈ ગઈ છે. અમારી ગુપ્તચર એજન્સીઓએ હુમલામાં સામેલ લોકો વિશે માહિતી એકત્રિત કરી છે. આ હુમલાનો પાકિસ્તાન સાથે સંબંધ છે. પાકિસ્તાનને દુનિયાભરમાં આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઓળખ મળી છે.
ગૃહમંત્રી અમિત શાહે BSFના DG, LG મનોજ સિંહા અને CM ઓમર અબ્દુલ્લા સાથે ફોન પર વાત કરી હતી. ગૃહમંત્રીએ નિર્દેશ આપ્યો કે સરહદની નજીક રહેતા નાગરિકોને સલામત સ્થળોએ બંકરોમાં ખસેડવામાં આવે. ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, "અમને આપણા સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે. આપણા બહાદુર સૈનિકો આપણી સ્વતંત્રતા અને અખંડિતતાનું રક્ષણ કરે છે. ભગવાન તેમનું રક્ષણ કરે અને તેમને ધીરજ અને બહાદુરીથી પડકારોનો સામનો કરવા માટે અપાર હિંમત આપે. જય હિન્દ."
ચીનના વિદેશ મંત્રાલયે ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું, "આજે સવારે ભારતની સૈન્ય કાર્યવાહી પર ચીનને અફસોસ છે. અમે વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા એકબીજાના પાડોશી છે અને રહેશે. બંને ચીનના પડોશી પણ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના વ્યાપક હિતમાં કાર્ય કરવા, શાંતિ જાળવવા, સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે તેવા પગલાં ટાળવા વિનંતી કરીએ છીએ."
એલઓસી પર પાકિસ્તાન તરફથી ગોળીબારમાં લોકોને ઘણું નુકસાન થયું છે. પૂંછમાં 6 ભારતીય નાગરિકોના મોત થયા છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ ઓપરેશન સિંદૂર પર કહ્યું હતું કે, "અમને અમારી સેના પર ખૂબ ગર્વ છે. જો કોઈ ભારત કે ભારતના કોઈપણ નાગરિક તરફ આંખ ઉંચી કરશે અને કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્રયાસ કરશે તો તેનું પરિણામ આ જ આવશે, આજે અમારી સેનાએ ફરી એકવાર આ સાબિત કરી દીધું છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે અમે સરકાર સાથે ઉભા છીએ."
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ આતંકવાદી ઠેકાણાઓનો સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો.
મરકઝ સુભાન અલ્લાહ, બહાવલપુર - જૈશ
મરકઝ તૈયબા, મુરીદકે - લશ્કર
સરજલ, તેહરા કલાં - જેઈએમ
મહમૂના ઝોયા, સિયાલકોટ - એચએમ
મરકઝ અહલે હદીસ, બરનાલા - લશ્કર
મરકઝ અબ્બાસ, કોટલી - જૈશ
મસ્કર રાહીલ શાહિદ, કોટલી – HM
શાવઈ નાલા કેમ્પ, મુઝફ્ફરાબાદ - લશ્કર
સૈયદના બિલાલ કેમ્પ, મુઝફ્ફરાબાદ - JEM
કેજરીવાલે કહ્યું હતું કે અમને ભારતીય સેના અને અમારા બહાદુર સૈનિકો પર ગર્વ છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આતંકવાદ સામેની આ લડાઈમાં 140 કરોડ ભારતીયો ભારતીય સેનાની સાથે ઉભા છે. ભારતીય સેનાની હિંમત એ દેશના દરેક નાગરિકનો વિશ્વાસ છે. આપણે બધા સાથે છીએ. આપણે આતંકવાદ સામે એક છીએ. જય હિંદ, જય ભારત
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે હું પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર આપણી સેના તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનુ સ્વાગત કરું છું. પાકિસ્તાની ડીપ સ્ટેટને કડક પાઠ ભણાવવો જોઈએ જેથી બીજી પહલગામ ઘટના ફરી ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જ જોઇએ. જય હિન્દ!
પહલગામ હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે "અમને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. જય હિંદ."
પાકિસ્તાનમાં સેનાની કાર્યવાહી બાદ જમ્મુ અને કાશ્મીરમાં લોકો ઉજવણી કરતા જોવા મળ્યા હતા. એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે અમે ખૂબ ખુશ છીએ અમે બધા ભારત તરફથી કાર્યવાહીની રાહ જોઇ રહ્યા હતા. આ હુમલો પુરાવા સાથે થયો છે અને આ વખતે કોઈ કોઈ પુરાવા માંગશે નહીં. અમે સેના સાથે ઉભા છીએ.
સવારે 11 વાગ્યે મોદીની અધ્યક્ષતામાં સરકારની કેબિનેટ બેઠક મળશે. રાજસ્થાન સરહદ નજીક ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યું છે. પીએમ મોદી સતત 'ઓપરેશન સિંદૂર' પર નજર રાખી રહ્યાં છે. જમ્મુ-શ્રીનગર- લેહ- ધર્મશાલા અને અમૃતસર એરપોર્ટ બંધ કરાઇ છે.
ભારતનું રાત્રે સિંદૂર ઓપરેશન શરૂ થતાં પાકિસ્તાન થરથરી ગયું છે અને તાબડતોબ તેમને સુરક્ષા સમિતીની બેઠક બોલાવી છે. લાહોર એયરપોર્ટ પરની તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવાઇ છે. પાકિસ્તાનના અનેક શહેરમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરાઇ છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં આતંકવાદી છાવણીઓ પર 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલે ભારતના હુમલા પર પ્રતિક્રિયા આપી હતી અને ભારતની એરસ્ટ્રાઇકને "કામચલાઉ આનંદ" ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ સ્થાયી દુઃખથી ફેરવાઇ જશે. ISPRના સત્તાવાર નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે "પાકિસ્તાન પોતાની પસંદગીના સમયે અને સ્થળ પર તેનો જવાબ આપશે". DG એ ભારતના હુમલાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, "તેનો જવાબ આપવામાં આવશે".
India Strike Pakistan: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ઈન્ડિયન એરફોર્સે આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મારફતે પાકિસ્તાનના જેટ JF-17 ને તોડી પાડ્યું હતું. પાકિસ્તાની ફાઇટર જેટ JF-17 એક પાકિસ્તાની (ચીની JF-17) ફાઇટર પ્લેન છે. ચીની JF-17 થંડર એક હળવુ, સિંગલ-એન્જિન મલ્ટી-રોલ ફાઇટર જેટ છે જે ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. તેના પ્રથમ પ્રોટોટાઇપે 2003માં ઉડાણ ભરી હતી અને તે પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય ફાઇટર એરક્રાફ્ટ છે.
પાકિસ્તાન તરફથી સરહદ પારથી થયેલા આર્ટિલરી ફાયરિંગમાં ત્રણ નિર્દોષ ભારતીય નાગરિકોના મોત થયા. ભારતીય સેનાએ ભારે ગોળીબાર કરીને પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપ્યો છે.
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં થયેલા મિસાઇલ હુમલાને કારણે પાકિસ્તાનના પંજાબમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
અહમદપુર ઇસ્ટ - ચાર એરસ્ટ્રાઇક થયા
મુઝફ્ફરાબાદ - સાત એરસ્ટ્રાઇક થયા.
કોટલી - પાંચ એરસ્ટ્રાઇક થયા
મુરિદકે - ચાર એરસ્ટ્રાઇક
સિયાલકોટ - કોટલી લુહારા - બે એરસ્ટ્રાઇક
શક્કરગઢ - બે એરસ્ટ્રાઇક
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ પછી સાવચેતીના પગલા તરીકે શ્રીનગર એરપોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત એર ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ અને પંજાબની ઘણી ફ્લાઇટ્સ બપોરે 12 વાગ્યા સુધી રદ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કર્યા બાદ સાવચેતીના પગલા તરીકે શ્રીનગર એરપોર્ટ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય દળોએ સાથે મળીને ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું.
ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો હતો કે ભારતે છ વિસ્તારોમાં વિવિધ શસ્ત્રો સાથે કુલ 24 હુમલા કર્યા હતા. આ છ વિસ્તારોમાં આઠ પાકિસ્તાનીઓ માર્યા ગયા છે, 35 ઘાયલ થયા છે અને બે ગુમ છે.