Israel Palestine Attack: ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે 'ઓપરેશન અજય' હેઠળ ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ શ્રેણીમાં તેલ અવીવથી ભારતીયોની ત્રીજી બેચ મોડી રાત્રે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચી હતી. આ બેચમાં 197 ભારતીયો સામેલ છે. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે એરપોર્ટ પર ઈઝરાયેલથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નાગરિકોની સેવા કરવા માટે સમર્પિત છે. તેમના સમર્પણને કારણે, ઇઝરાયેલમાંથી ભારતીય નાગરિકોનું સલામત સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પોતાના દેશ પરત ફર્યા બાદ દરેક લોકો ખુશ છે.


ઇઝરાયેલથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું કે અમે ભારત સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે ઈઝરાયેલમાં ભયના પડછાયા હેઠળ જીવતા હતા. અમે ઓપરેશન અજય પહેલ માટે સરકારના આભારી છીએ. ઇઝરાયેલથી પરત ફરેલી ભારતીય નાગરિક પ્રીતિ શર્માએ 'ઓપરેશન અજય' પહેલ માટે વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, મને લાગે છે કે આ ભારત સરકારની ખૂબ જ સારી પહેલ છે. હું આ પહેલ માટે વિદેશ મંત્રી જયશંકરનો આભાર માનું છું. મને લાગે છે કે ભારત એ દેશોમાંનો એક છે જેણે સૌપ્રથમ ઇઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું. અમારા પરિવારના સભ્યો ખૂબ ખુશ છે. આ માટે અમે બધા ખૂબ જ આભારી છીએ.




આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ઓપરેશન અજય આગળ વધી રહ્યું છે. 197 ભારતીયોની નવી બેચ વિશેષ ફ્લાઇટ દ્વારા પરત ફરી રહી છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી હતી કે શનિવારે તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટથી બે વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. પ્રથમ ફ્લાઈટ સ્થાનિક સમય અનુસાર લગભગ 5:40 વાગ્યે રવાના થઈ હતી. જેમાં 197 મુસાફરો સવાર છે. બીજું પ્લેન સ્થાનિક સમય અનુસાર રાત્રે 11:00 વાગ્યે ટેકઓફ થવાનું છે અને તે 330 મુસાફરોને લઈ જઈ શકે છે. આ ફ્લાઈટ રવિવારે વહેલી સવારે ભારત પહોંચશે. આ બંને ફ્લાઈટ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટની છે.


274 ભારતીયોને લઈને ચોથી ફ્લાઈટ ઈઝરાયેલથી રવાના થઈ


ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે, શનિવારે મોડી રાત્રે 274 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી માટે રવાના થઈ હતી. ઇઝરાયેલમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવેલી 'ઓપરેશન અજય' અંતર્ગત આ ચોથી ફ્લાઇટ છે.


ઈઝરાયેલથી અત્યાર સુધીમાં 644 ભારતીયો પરત ફર્યા


તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલથી 235 ભારતીયોની બીજી બેચ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. જ્યારે પ્રથમ ફ્લાઇટમાંથી 212 ભારતીયો પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં 644 ભારતીયો ઈઝરાયેલથી પરત ફર્યા છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ વતન પરત જવા ઈચ્છતા લોકો માટે કેન્દ્ર સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે.