નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા અને દિલ્હીની જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલી ઘટનાને લઈને 12 જેટલા વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રતિનિધિત્વમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ મુલાકાત બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે જામિયામાં પોલીસે વિદ્યાર્થીઓ સાથે કરેલી કાર્યવાહી ખોટી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે.

સોનિયા ગાંધીએ કહ્યું, “એક્ટના કારણે પૂર્વોત્તરમાં જે સ્થિતિ છે તે રાજધાની સહિત દેશભરમાં ફેલાઈ રહી છે. આ ખૂબજ ગંભીર સ્થિતિ છે. અમને ડર છે આ સ્થિતિ વધુ વણસી શકે છે. પોલીસે જે રીતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વ્યવહાર કર્યો છે તેનાથી અમે દુખી છે.”

તેમણે કહ્યું કે, વિરોધ કરવો લોકતાંત્રિક અધિકાર છે. વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની અપીલ કરી છે. જ્યારે સીપીએમ નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે સરકાર નાગરિકતા સંશોધન કાયદો પરત ખેંચે.


સોનિયા ગાંધીએ કહ્યું, પોલીસે જામિયા મહિલા છાત્રાલયમાં પ્રવેશ કર્યો અને તેમને બહાર કાઢ્યા, વિદ્યાર્થી સાથે મારપીટ કરી. તમે બધાએ જોયું હશે કે મોદી સરકારને લોકોનો અવાજ બંધ કરવા અને કાયદો લાગુ કરવામાં કોઈ દયા નથી.

તૃણમૂલ કૉંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને પણ રાષ્ટ્રપતિને કાયદો પરત લેવાની સલાહ આપવાની માંગ કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું, આ કાયદો દેશના વિભાજન તરફ લઈ જઈ રહ્યો છે. આ કાયદાએ લોકોના મનમાં ડર પેદા કરી દીધો છે અને તેના ખરાબ પરિણામ હશે. આપણી સરકાર દેશને તોડવાની તક આપી રહી છે.