નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત દેશભરના અલગ અલગ ભાગમાં નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. દિલ્હીના સીલમપુર, જામિયા સહિત અન્ય વિસ્તારોમાં તણાવની સ્થિતિ છે. તેની વચ્ચે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ કાયદામાં નાગરિકતા છીનવી લેવાની નથી પરંતુ આપવાની જોગવાઈ છે. તેમણે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી.


દ્વારકાના ભારત વંદના પાર્કમાં ડીડીએના કાર્યક્રમમાં ગૃહમંત્રીએ કહ્યું નાગરિકતા કાયદા પર રાજનીતિ થઈ રહી છે. વિપક્ષ દેશને ગુમરાહ કરી રહ્યું છે. હું તમામ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે આ કાયદાનું અધ્યયન કરો, જે તમારી પાસે સૂચના મળી છે તે ખોટી છે.


તેમણે કહ્યું, યુવાઓને કહેવા માંગુ છું કે વેબસાઈટ પર કાયદાની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. જો કોઈની વિરુદ્ધ કાયદો અન્યાન કરે તેવું કંઈ હોય તો અમને જણાવો. મોદી સરકાર કોઈની સાથે અન્યાય નથી કરતી. સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે, કાયદો પરત લેવામાં નહીં આવે અને મોદી સરકાર શરણાર્થીઓને નાગરિકતા આપશે જ.

આ પહેલા વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે કૉંગ્રેસ નાગરિકતા કાયદાને લઈને જૂઠાંણુ ફેલાવી રહી છે. મુસ્લિમોની વચ્ચે ડરનો માહોલ બનાવી રહી છે. હું આશ્વાસ આપું છું કે દેશનો કોઈ પણ નાગરિક આ કાયદાથી પ્રભાવિત નહીં થાય.
`