Opposition Meeting:  બિહારના પટનામાં વિપક્ષની એકતા બેઠક પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે  'આપણે સાથે મળીને ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ.' આપણે કર્ણાટકમાં ભાજપને હરાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટી તેલંગણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવશે.






રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં બે વિચારધારાની લડાઈ ચાલી રહી છે, એક આપણી ભારત જોડો અને બીજી તરફ ભાજપની ભારત તોડો વિચારધારા. ભાજપ પક્ષ ભારતને તોડવાનું કામ કરી રહ્યો છે. તે નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટી એક થવા અને પ્રેમ ફેલાવવાનું કામ કરી રહી છે. નફરતને નફરતથી દૂર કરી શકાતી નથી, નફરતને પ્રેમથી જ દૂર કરી શકાય છે.






નીતિશ કુમારના કહેવા પર શુક્રવારે (23 જૂન) પટનામાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠક થશે. બેઠકમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી પટના પહોંચી ગયા છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજરી આપી રહ્યા છે.






બેઠકમાં હાજરી આપતા પહેલા રાહુલ ગાંધીએ પટનામાં કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી. અહીં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશ સમજી ગયો છે કે નરેન્દ્ર મોદી અને ભાજપનો અર્થ માત્ર 2-3 લોકોને ફાયદો કરાવવાનો છે, જ્યારે કોંગ્રેસનો અર્થ દેશના ગરીબોની સાથે ઉભા રહીને તેમના માટે કામ કરવાનો છે.


બિહાર જીતશે તો ભારત જીતશે - મલ્લિકાર્જુન ખડગે


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કોંગ્રેસ કાર્યાલય પર કહ્યું હતું કે આ કોંગ્રેસ કાર્યાલયમાંથી જે પણ નેતા બહાર આવ્યા તેઓ દેશની આઝાદી માટે લડ્યા હતા. અમને ગર્વ છે કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ ધરતીના હતા. જો આપણે બિહાર જીતીશું તો આખા ભારતમાં જીતીશું.