Param Bir Singh Case: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસને લઈને મહારાષ્ટ્ર સરકારને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નોંધાયેલા તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે પોલીસને એક સપ્તાહમાં રેકોર્ડ સીબીઆઈને સોંપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે પૂર્વ પોલીસ કમિશનર અને પૂર્વ ગૃહમંત્રી દ્વારા એકબીજા પર જે પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે તેનાથી લોકોના સિસ્ટમ પરના વિશ્વાસને ઠેસ પહોંચી છે. સત્ય બહાર આવવું જરૂરી છે.


 




જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે પરમબીર સિંહની અરજી પર આદેશ આપતાં એમ પણ કહ્યું છે કે હાલ પૂરતું, પરમબીરનું સસ્પેન્શન અકબંધ રહેશે. જો ભવિષ્યમાં તેની સામે અન્ય કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે તો તે પણ CBIને ટ્રાન્સફર કરવામાં આવશે.


શું હતો કેસ?


મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ગયા વર્ષે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર આરોપ મૂક્યો હતો કે તેઓ જ્યારે ગૃહ પ્રધાન હતા ત્યારે પોલીસને ડાન્સ બાર અને હોટેલ માલિકો પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસુલી કરવાનું કહ્યું હતું. 5 એપ્રિલ 2021ના રોજ, બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને આ મામલે પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો. આ કેસમાં દેશમુખને તેમનું ગૃહ પ્રધાનનું પદ ગુમાવવું પડ્યું હતું અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.


આ દરમિયાન પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે તેમની સામે બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે ઓફિસમાં રહીને જે પોલીસ અધિકારીઓને ખોટા અને ભ્રષ્ટાચાર બદલ સજા કરી હતી, તેઓને ફરિયાદી બનાવીને તેમની સામે એક પછી એક 6 કેસ નોંધાયા છે. પરમબીરે આ કેસો રદ કરવા અથવા સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.