નવી દિલ્હી: મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે અને તેમાંથી અડધાથી વધુ બાળકો અત્યંત કુપોષિતની શ્રેણી (SAM) માં આવે છે. સૌથી વધુ કુપોષિત બાળકો હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાત ટોચના ક્રમે છે.


મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગરીબમાં ગરીબમાં કોવિડ રોગચાળાને કારણે આરોગ્ય અને પોષણની કટોકટી વધુ વધવાની આશંકા વ્યક્ત કરતાં અનુમાન લગાવ્યું છે કે 14 ઓક્ટોબર, 2021 સુધીમાં, દેશમાં 17,76,902 બાળકો ગંભીર રીતે કુપોષિત છે. અને 15,46,420 બાળકો કુપોષિત છે.


33 લાખ બાળકો કુપોષિત - મંત્રાલય


મંત્રાલયે આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યું હતું કે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડેટામાંથી કુલ 33,23,322 બાળકોનાં આંકડા મેળવવામાં આવ્યા હતા. આ ડેટા પોષણના પરિણામો પર નજર રાખવા માટે ગયા વર્ષે વિકસિત કરાયેલ પોષણ એપ પર રજીસ્ટર કરવામાં આવ્યા હતા.


મંત્રાલયના એક અધિકારીએ સ્પષ્ટતા કરી, "આંગણવાડી પ્રણાલીમાં 8.19 કરોડ બાળકોમાંથી માત્ર 33 લાખ જ કુપોષિત છે, જે કુલ બાળકોના માત્ર 4.04 ટકા છે."


કુપોષિત બાળકોની સંખ્યામાં 91 ટકાનો વધારો


આ સંખ્યાઓ પોતાનામાં ચિંતાજનક છે, પરંતુ તે ગયા વર્ષના નવેમ્બરની સરખામણીમાં વધુ ચિંતાજાનક છે. નવેમ્બર 2020 થી 14 ઓક્ટોબર, 2021 ની વચ્ચે ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યામાં 91 ટકાનો વધારો થયો છે.


જો કે, આ સંદર્ભે બે પ્રકારના આંકડા છે, જે ડેટા સંગ્રહની વિવિધ પદ્ધતિઓ પર આધારિત છે. ગયા વર્ષે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યા (છ મહિનાથી છ વર્ષ સુધી)ની ગણતરી કરવામાં આવી હતી અને તેની જાણ કેન્દ્રને કરવામાં આવી હતી. નવીનતમ ડેટા ન્યુટ્રિશન ટ્રેકર એપમાંથી લેવામાં આવે છે, જ્યાં ડેટા સીધો આંગણવાડીઓ દ્વારા દાખલ કરવામાં આવે છે અને કેન્દ્ર દ્વારા પ્રાપ્ત થાય છે.