નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કહેરના કારણે તમામ હોસ્પિટલોના બેડ ફુલ છે જ્યારે બીજી તરફ ઓક્સિજનની અછતને લઈને દર્દીઓ બેહાલ થયા છે.  હાલમાં દરેક મોટા રાજ્યમાં ઓક્સીજનની  અછતના અહેવાલો છે, આ બધાની વચ્ચે આજે પ્રધાનમંત્રી મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. સ્થિતિની ગંભીરતાને જોતા કેંદ્રીય ગૃહ મંત્રાલય તરફથી ઓક્સીજનની ગાડીઓની ફ્રી મૂવમેન્ટના નિર્દેશ આપવામાં આવ્યા તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે ઉચ્ચસ્તરીય બેઠક કરી સમાધાન પર ચર્ચા કરી હતી.



દેશમાં સતત વધી રહેલા કોરોના કેસની વચ્ચે ઘણા મોટા શહેરો અને રાજ્યોમાં ઓક્સિજનની ઉણપ ઊભી થઈ હોવાના કારણે ઘણા દર્દીઓને સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવવો પડી રહ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે, આ બધાની વચ્ચે આજે દેશમાં ઓક્સિજનની સપ્લાયના મુદ્દે આજે પીએમ મોદી એક મહત્વની બેઠક કરી હતી. 


પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, સ્વાસ્થ્ય સચિવ સિવાય માર્ગ પરિવહન મંત્રાલય, મેડિકલ ક્ષેત્ર અને નીતિ આયોગના અધિકારીઓ સામેલ થયા હતા.


પીએમઓએ જણાવ્યું કે મેડિકલ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ઓક્સીજનના યોગ્ય ઉપયોગની આવશ્યકતા પર ભાર આપ્યો હતો. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે રાજ્ય સરકારે સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.


સતત આઠમાં દિવસે બે લાખથી વધુ કેસ


દેશમાં સતત આઠમા દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 22 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.