નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની જામીન અરજી પણ સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. ચિદમ્બરમ તરફથી વકીલ કપિલ સિબ્બલે કહ્યું 21 ઓગષ્ટ, 2019ના રોજ અરજીકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. 16 ઓક્ટોબરે 60 દિવસ પૂરા થઈ ગયા હોવા છતાં સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી શક્યું નથી. તેથી આ મામલે જામીન મળવા જોઈએ.


99 દિવસથી જેલમાં બંધ ચિદમ્બરમે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સવાલ ઉઠાવતાં પૂછ્યું કે, શું હું રંગા-બિલ્લા જેવો અપરાધી છું. રંગા અને બિલ્લાએ 1978માં બે ભાઈ-બહેન ગીતા અને સંજય ચોપડાના અપહરણ અને હત્યા માટે દોષી જાહેર કરીને મોતની સજા સંભળાવી હતી. આ બંને અપરાધીઓને 1982માં ફાંસી આપવામાં આવી હતી.

સુનાવણી બાદ ચિદમ્બરમને જેલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે તેમણે કહ્યું, મધરાતના ખેલ (ફડણવીસ અને અજીત પવારના શપથ) માટે રાજ્યપાલ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બધા જવાબદાર છે. રાષ્ટ્રપતિ પણ આમાં સંડોવાયેલા છે તે દુઃખની વાત છે.

મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિને સંવિધાનનું ઉલ્લંઘન ગણાવી તેમણે ટ્વિટ કરી લખ્યું, સંવિધાન દિવસ 2019ના રોજ 23 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી જે કંઈ થયું તેને હંમેશા યાદ રાખવામાં આવશે.