નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્દ યુદ્ધમાં વડાપ્રધાન મોદીએ એકવાર ફરી દેશવાસીઓને એકતા બતાવવાની અપીલ કરી છે. વડાપ્રધાને લોકોને અપીલ કરી છે કે તે રવિવારે રાત્રે નવ વાગ્યે દીવો પ્રગટાવે. હવે વડાપ્રધાનની આ અપીલ પર રાજકીય પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઇ ગઇ છે. પૂર્વ કેન્દ્રિયમંત્રી અને કોગ્રેસ નેતા પી.ચિદંબરમે કહ્યું કે, દીવો પ્રગટાવીશું પરંતુ જવાબમાં અર્થશાસ્ત્રીઓની વાતો પણ સાંભળો.




તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, અમે તમારી વાત સાંભળીશું અને પાંચ એપ્રિલના રોજ દીવો પ્રગટાવીશું. પરંતુ તેના બદલામાં તમે પણ અર્થશાસ્ત્રીઓની વાતો સાંભળો. અમને આશા છે કે તમે આજે ગરીબો માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી શકો છો. જેને નિર્મલા સીતારમણ પોતાના ભાષણમાં ભૂલી ગઇ હતી. ચિદંબરમે કહ્યુ કે, કામ કરનારા તમામ વ્યક્તિ તે પછી બિઝનેસમેન હોય કે દિહાડી મજૂર તેને મદદની જરૂર છે. અને આર્થિક શક્તિને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે.