Padma Award:  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ અને અન્ય મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. આ સિવાય સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. અભિનેતા મિથુન ચક્રવર્તી, પૂર્વ ગવર્નર રામ નાઈક, ગાયિકા ઉષા ઉત્થુપ અને ઉદ્યોગપતિ સીતારામ જિંદાલને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. સોમવારે લગભગ અડધા વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા હતા. બાકીના પુરસ્કારો આવતા અઠવાડિયે આપવામાં આવે તેવી શક્યતા છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સામાજિક કાર્યના ક્ષેત્રમાં બિંદેશ્વર પાઠકને (મરણોત્તર) પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. સ્વ.બિંદેશ્વર પાઠકના પત્ની અમોલા પાઠકે એવોર્ડ ગ્રહણ કર્યો હતો.


પદ્મ વિભૂષણથી આ હસ્તિઓને કરાયા સન્માનિત


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, બિંદેશ્વર પાઠક (મરણોત્તર), કોનિડેલા ચિરંજીવી, વૈજયંતિમાલા બાલી અને પદ્મ સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. ડૉ. પદ્મા સુબ્રમણ્યમ એક પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના, સંશોધન વિદ્વાન, સંગીતકાર અને ઈન્ડોલોજિસ્ટ – નાટ્યશાસ્ત્રો પરના તેમના કાર્યો માટે પ્રખ્યાત છે.


રાષ્ટ્રપતિએ મિથુન ચક્રવર્તી અને ઉષા ઉથુપ સહિત 17 લોકોને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા






રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એમ ફાતિમા બીવી (મરણોત્તર), હોર્મુસજી એન કામા, મિથુન ચક્રવર્તી, સીતારામ જિંદાલ, યંગ લિયુ, અશ્વિન બાલચંદ મહેતા, સત્યબ્રત મુખર્જી (મરણોત્તર), રામ નાઈક, તેજસ મધુસુદન પટેલ, ઓલાનચેરી રાજગોપાલ, દત્તાત્રય અંબાદાસ મયાલૂ ઉર્ફ રાજદત, તોગદાન રિનપોછે (મરણોત્તર), પ્યારેલાલ રામપ્રસાદ શર્મા, ચંદેશ્વર પ્રસાદ ઠાકુર, ઉષા ઉત્થુપ, વિજયકાંત (મરણોત્તર), કુંદન આર વ્યાસને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


પદ્મ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે


દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીના એક પદ્મ પુરસ્કારને ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. વિવિધ વિષયો અથવા ક્ષેત્રોમાં પુરસ્કારો આપવામાં આવે છે. તેમાં કળા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.


ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જાહેરાત કરવામાં આવે છે


અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.