નવી દિલ્હી:  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજધાની દિલ્હીમાં પદ્મ પુરસ્કારોનું વિતરણ કર્યું. આ દરમિયાન તે તમામ લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમના નામની જાહેરાત થોડા અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી. તેમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નામ પણ સામેલ છે.


કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે સીડીએસ જનરલ બિપિન રાવતને મરણોપરાંત્ત પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનરલ બિપિન રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણીને પુરસ્કાર આપ્યો હતો. તેમના સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. બીજી તરફ, SIIના MD સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.


કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી


તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 4 લોકોને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવાની વાત કરવામાં આવી હતી. આ ચાર લોકોમાં CDS જનરલ બિપિન રાવત, બીજેપી નેતા કલ્યાણ સિંહ, ગીતા પ્રેસ ગોરખપુરના પ્રમુખ રાધેશ્યામ ખેમકા અને શાસ્ત્રીય સંગીત માટે પ્રખ્યાત પ્રભા અત્રેના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય કુલ 124 લોકોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ બધાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરી રહ્યા છે.