Pahalgam Terror Attack:  જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો જેમાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૌયબાના હિટ સ્ક્વોડ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહે અહીં પોલીસ કંટ્રોલ રૂમમાં આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આતંકવાદી હુમલા પછી સરકાર એક્શનમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહલગામ પહોંચશે. પીએમ મોદી પણ સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે ટૂંકાવી ભારત પાછા ફર્યા છે. આજે તેઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લે તેવી શક્યતા છે.

આતંકવાદી ઘટના અંગે અમિત શાહે કહ્યું કે આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સૌથી કડક સજા આપીશું. ગૃહમંત્રીએ તમામ એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં પહલગામના બૈસારન ખાતે તે સ્થળની મુલાકાત લેશે જ્યાં મંગળવારે આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા અને તપાસ કરશે. પહલગામ આતંકવાદી હુમલા પછી અનંતનાગ પોલીસે પ્રવાસીઓ માટે ઇમરજન્સી હેલ્પ ડેસ્ક શરૂ કર્યો છે. આ ડેસ્ક 24 કલાક કામ કરશે. આ માટે પોલીસે ટેલિફોન નંબર 9596777669, 01932225870 અને વોટ્સએપ નંબર 9419051940 જાહેર કર્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને ધ્યાનમાં રાખીને 23 એપ્રિલના રોજ રાજૌરી જિલ્લાની તમામ સરકારી/ખાનગી શાળાઓ બંધ રહેશે.