Amit Shah On Pahalgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ગૃહમંત્રી અમિત શાહે કડક વલણ અપનાવતા  કહ્યું કે આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તે ટૂંક સમયમાં શ્રીનગર જવા રવાના થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુખી છું. મારી સંવેદના મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સખતમાં સખત સજા અપાવીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. હું તમામ એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક યોજવા માટે ટૂંક સમયમાં શ્રીનગર જવા રવાના થઈશ. 

અમિત શાહે બોલાવી હાઇ લેવલ બેઠક - 

મંગળવારે બપોરે પહેલગામના બેસરનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. બીજીતરફ, ગૃહમંત્રી અમિત શાહે એક ઇમર્જન્સી હાઇ લેવલ બેઠક બોલાવી છે. 

ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કર્યું -જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. "મને ખૂબ જ આઘાત લાગ્યો છે," ઓમરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું. અમારા મુલાકાતીઓ પરનો આ હુમલો એક ઘૃણાસ્પદ કૃત્ય છે. આ હુમલાના ગુનેગારો જાનવરો છે, અમાનવીય અને ઘૃણાસ્પદ છે. નિંદા કરવા માટે કોઈ શબ્દો પૂરતા નથી. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. મેં મારા સાથીદાર સાથે વાત કરી છે અને તે ઘાયલોની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે હોસ્પિટલમાં ગયા છે. હું તરત જ શ્રીનગર પાછો ફરી રહ્યો છું.