શ્રીનગર:  પોલીસે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને મદદ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિની ઓળખ દક્ષિણ કાશ્મીરના મોહમ્મદ યુસુફ કટારિયા તરીકે થઈ છે, જેણે 22 એપ્રિલે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને મદદ કરી હતી. શ્રીનગર પોલીસે તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો અને ત્યારથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

મોહમ્મદ કટારિયા પણ એક આતંકવાદી છે

મોહમ્મદ યુસુફ કટારિયા લશ્કર-એ-તૈયબા (TRF)નો આતંકવાદી છે જેના પર બૈસરન ખીણમાં 26 લોકોની હત્યામાં સામેલ આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે.

યુસુફ કટારિયાની ધરપકડ કેવી રીતે કરવામાં આવી ?

પોલીસે જણાવ્યું હતું કે, "ઓપરેશન મહાદેવ દરમિયાન જપ્ત કરાયેલા શસ્ત્રો અને અન્ય વસ્તુઓનું વિશ્લેષણ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. અમારી તપાસમાં પુષ્ટિ મળી છે કે કટારિયાએ આતંકવાદીઓની હિલચાલમાં મદદ અને સુવિધા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી." અધિકારીઓએ આ ઘટનાક્રમને દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક સામે એક મોટી સફળતા ગણાવી છે.

મોહમ્મદ યુસુફ કટારિયાના સહયોગીઓને ઓળખવા અને લશ્કર-એ-તૈયબા (TRF) નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે આતંકવાદી મોડ્યુલોને નબળા પાડવા અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે કામગીરી વધુ તીવ્ર બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

મોહમ્મદ યુસુફ કટારિયા પહેલગામમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો અને સ્થાનિક બાળકોને ભણાવતો હતો. થોડા મહિના પહેલા તે આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો અને તેને મદદ કરવાનું શરૂ કર્યું હતું.

ઓપરેશન મહાદેવ હેઠળ આતંકવાદીઓની હત્યા

22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ પહેલગામની બૈસરન ખીણમાં 26 પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી તેમની હત્યા કરી દીધી હતી. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન TRF એ હુમલાની જવાબદારી સ્વીકારી. આ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. ત્યારબાદ, 28 જુલાઈના રોજ ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા.