નવી દિલ્લીઃ વિદેશ મંત્રાલયે પાકિસ્તાન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદની નિકાસ બંધ કરે. અને આતંકી મસૂદ અજહરને લઇને પુછવામં આવેલા સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, "ભારત આના પર વીણી વીણીને કાર્યવાહી કરી શકે નહીં, પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહર પર કાર્યવાહી કરે"


નવાઝ શરીફના પાકિસ્તાનની સંસદમાં સંયુક્ત સત્રમાં આપવામાં આવેલા ભાષણ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, બુરહાન વાનીને હિરો ગણાવીને નવાઝ શરીફે પોતાની જાતને ફસાવી લીધા છે. કાશ્મીર પર પાકિસ્તાન વારંવાર ખોટુ બોલે છે. અસત્યને વારંવાર બોલવાથી તે સત્ય નથી થઇ જતું.

સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતું કે, સરકાર જે કઇ પણ સાર્વજનીક કરે છે. તેનું નિર્ધારણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે હોય છે. તેની સાથે જ વિદેશ મંત્રાલયે એ પણ જાણકારી આપી હતી કે, સરકાર ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે થયેલી વાતચીતને સાર્વજનીક નહી કરે.

વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું કે, "ભારત પોતાના દરેક પડોશીઓ સાથે શાંતિને લઇને પ્રતિબદ્ધ છે પરંતુ આતંકવાદને કોઇ પણ શરતે સહન કરવામાં નહી આવે.