નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઇન્દ્રેશ કુમારનું માનવું છે કે આવનારા વર્ષોમાં ગાંધી જયંતિનો ઉત્સવ લાહોરમાં મનાવવામાં આવશે. તેમનો તર્ક હતો કે પાકિસ્તાનની અંદર ચાલી રહેલા અલગાવવાદી આંદોલન દેશને તોડી દેશે. આ વાત તેમણે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. ઇન્દ્રેશ કુમારે કહ્યું કે, 1947 અગાઉ પાકિસ્તાન દુનિયાના નકશામાં નહોતું. મારુ માનવું છે કે ભવિષ્યમાં દુનિયાના નકશામાં નહી હોય. જો એમ થશે તો આપણે બાપુ  જયંતિ અને હિંદી દિવસ લાહોરમાં મનાવીશું.

ઇન્દ્રેશ કુમારે કહ્યું કે, પાકિસ્તાનનો જન્મ ભાગલા બાદ થયો હતો. ત્યારબાદ 1971માં એકવાર ફરી આ દેશના ભાગલા પડી ગયા. વર્તમાન સ્થિતિ એ છે કે પાકિસ્તાન 5થી6 હિસ્સામાં તૂટવાની સ્થિતિમાં છે. પશ્તુનિસ્તાન, બલોચિસ્તાન અને સિંધ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે. નિષ્ણાંતોના મતે પાકિસ્તાન  દિવસેને દિવસે નબળો પડી રહ્યો છે. નોંધનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં નિવેદન આપ્યું હતુ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઇ ચીન ભારતનો હિસ્સો છે અને અમે ફરી તેને મેળવીશું.

ઇન્દ્રેશ કુમારનું નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કે કારણ કે શુક્રવારે જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરીઓના સમર્થન માટે મુઝફ્ફરાબાદમાં રેલી કરી હતી. કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ ઇમરાન ખાનની પીઓકેમાં આ બીજી રેલી હતી. ઇન્દ્રેશ કુમારના મતે કોગ્રેસ પ્રચારક બનાવી શકતી નથી કારણ કે આ માટે સમર્પણ અને બલિદાનની  જરૂર છે.