નવી દિલ્લી: ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપથી પાકિસ્તાન બાજ આવી રહ્યું નથી. હિજબુલ કમાંડર બુરહાની વાનીના એકાઉંટરને લઈને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ ઈસ્લામાબાદમાં ઘણાં મુખ્ય દેશોના રાજદૂતો સાથે વાતચીત કરી છે. પાડોશી દેશની આ હરકત પર ભારતે વિરોધ નોંધાવ્યો છે અને પાકિસ્તાનને ભારતના આંતરિક મામલામાંથી દૂર રહેવાની કડક ચેતવણી આપી છે.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કહ્યું કે ભારતને આતંકવાદના વખાણ મંજૂર નથી. આઠ જુલાઈએ હિજબુલ આતંકી બુરહાન વાનીના મૃત્યું પછી પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા પરિષદની સ્થાઈ સભ્યો ચીન, ફ્રાંસ, બ્રિટેન અને અમેરિકા સહિત યુરોપીય સંઘ, ઈસ્લામિક સહયોગ સંગઠન અને પાડોશી દેશોના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. આવું કરીને પાકિસ્તાન ભારતના આંતરિક મામલામાં દખલગીરી કરી રહ્યું છે.
વિદેશ મંત્રીએ જણાવ્યું, ‘પાકિસ્તાને આઠ જુલાઈથી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ભારતીય અધિકારીઓ પર માનવધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારત પાકિસ્તાનની આ પ્રકારની કાર્યવાહીને પુરી રીતે નકારે છે.’