અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાતના થોડા કલાકો પછી શ્રીનગર સહિત ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા અને વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યાના થોડા કલાકો પછી ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે સેનાને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

યુદ્ધવિરામની જાહેરાત થયા પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતને "ધમકી" આપી અને ભારત-પાકિસ્તાન તણાવ વિશે વાત કરી હતી. તેમણે પહલગામનું બહાનું બનાવીને યુદ્ધની પરિસ્થિતિ ઊભી કરવાના ભારત પર ઘણા પાયાવિહોણા આરોપો લગાવ્યા. શરીફે ચીનને એક વિશ્વાસુ મિત્ર ગણાવ્યું છે. ગઇકાલે રાત્રે પણ ભારતના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. રાજસ્થાન, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાન દ્વારા ઘણી જગ્યાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. આ અંગે વિદેશ મંત્રાલયે રાત્રે 11 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ કરારનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના આ સરહદી અતિક્રમણ સામે કાર્યવાહી કરી રહી છે. અમારું માનવું છે કે પાકિસ્તાને આને યોગ્ય રીતે સમજવું જોઈએ અને તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તેને નક્કર અને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, 'ભારત માટે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.'

જમ્મુ અને કાશ્મીરના નગરોટા આર્મી સ્ટેશન નજીક ગોળીબાર, એક સૈનિક ઘાયલ

શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે એક સમજૂતી થઈ હતી. આ અંતર્ગત બંને દેશો સરહદ પર તમામ લશ્કરી પ્રવૃત્તિઓ બંધ કરવા સંમત થયા હતા. પહલગામ આતંકવાદી હુમલા પછી વધી ગયેલા લશ્કરી તણાવને ઓછો કરવા માટે આ કરાર ખાસ કરવામાં આવ્યો હતો, પરંતુ શાંતિ પ્રયાસ ફક્ત થોડા કલાકો સુધી ચાલ્યો અને અહેવાલો અનુસાર, ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન, જમ્મુના નગરોટા આર્મી બેઝ પર ગોળીબારની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે, પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો હતો.

અમૃતસરમાં બ્લેકઆઉટ

અમૃતસર ડીસીએ સવારે 4.39 વાગ્યે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે "ખૂબ જ સાવધાની રાખો, કૃપા કરીને લાઇટ બંધ કરીને અને બારીઓથી દૂર ઘરની અંદર રહો. કૃપા કરીને રસ્તા પર, બાલ્કનીમાં કે ટેરેસ પર બહાર ન જાવ. ગભરાશો નહીં. અમે તમને જણાવીશું કે આપણે ક્યારથી સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકીશું,".