India Pakistan Conflict: પાકિસ્તાન સતત ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગઈકાલે રાત્રે (09 મે, 2025) પણ પાકિસ્તાન દ્વારા ભારતના ઘણા શહેરો પર મિસાઈલ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતે તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાન સામે બદલો લેવા માટે ભારતે પાકિસ્તાની ચેકપોસ્ટને ઉડાવી દીધી હતી. આતંકવાદી લોન્ચ પેડને પણ તબાહ કર્યું હતું. તેનો વીડિયો હવે સામે આવ્યો છે.

ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોન્ચ પેડ્સ એક જ ઝટકામાં તબાહ થઇ ગયું હતું. ગઈકાલે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધીના 26 સ્થળોએ ડ્રોન હુમલા કર્યા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા એરપોર્ટ અને વાયુસેનાના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

આજે સવારે શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા

શુક્રવારે મોડી રાત્રે ભારતીય સેનાએ અનેક સ્થળોએ પાકિસ્તાની ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યાના કલાકો પછી આજે સવારે શ્રીનગર શહેરમાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે એરપોર્ટ સહિત મહત્વપૂર્ણ સ્થાપનો નજીક વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. વિસ્ફોટોનો અવાજ સંભળાતા જ શહેરમાં સાયરન વાગવા લાગ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેર અને ખીણના મોટાભાગના ભાગોમાં વીજળી બંધ થઈ ગઈ હતી.

અમૃતસરમાં પાકિસ્તાને કર્યો ડ્રોન હુમલાનો પ્રયાસ

અમૃતસરમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. અમૃતસરના ડેપ્યુટી કમિશનરે સોશલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે અમૃતસરમાં લોકોને ઘરમાં જ રહેવા સૂચના આપવામા આવે છે. અમૃતસરમાં લોકોને ઘરની બારીથી દૂર રહેવા અપીલ કરાઇ છે. તેમણે લોકોને કહ્યું કે શાંત રહો અને ગભરાશો નહીં.

કચ્છમાં પાકિસ્તાને ડ્રોનથી કર્યા હુમલા

પાકિસ્તાને કચ્છ પર ડ્રોન હુમલાઓ કર્યા હતા. ભારતીય સેનાએ કચ્છમાં પાકિસ્તાનના છ ડ્રોન તોડી પાડ્યા હતા. વાયુસેનાએ ભૂજ પાસે બે પાક. ડ્રોન તોડી પાડ્યા હતા. જ્યારે નલિયા પાસે ચાર પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ડ્રોનના અનેક હુમલાઓ નિષ્ફળ કરાયા હતા. સરહદી વિસ્તાર જ નહી પરંતુ ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પાકિસ્તાની ડ્રોન ગાંધીધામ સુધી પહોંચ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં વધારાનો બંદોબસ્ત કરાયો હતો. ભુજ, ગાંધીધામના અનેક રસ્તાઓ પર બેરીકેટ લગાવાયા હતા.

આદિપુરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. તે સિવાય અબડાસામાં જોવા મળેલું પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. ભૂજમાં મોટાભાગના વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ કરાયો. નખત્રાણા, લખપત, નલિયા વિસ્તારમાં સુરક્ષા વધારાઈ હતી.

ભુજ શહેરમાં ઈમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કરાયો હતો. કરછ કલેક્ટર દ્વારા તમામ જનતાને આદેશ અપાયો હતો. ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ કરાયા હતા. લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઇ હતી. કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે પણ અપીલ કરાઇ હતી.