હરિયાણા: પંચકુલા હિંસા કેસમાં ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીતને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ હનીપ્રીતને અંબાલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. પંચકુલાની વિશેષ કોર્ટે હનીપ્રીતને જામીન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બીજી નવેમ્બરે પંચકુલા હિંસા કેસના આરોપી હનીપ્રીત પર લાગેલી રાજદ્રોહની કલમ હટાવી લેવામાં આવી હતી. જો કે તેના વિરુદ્ધ અન્ય કલમ હેઠળ કેસ ચાલું રહેશે. હનીપ્રીત પંચકુલામાં 25મી ઓગસ્ટ, 2017ના રોજ થયેલી હિંસા મામલે જેલમાં હતી. બળાત્કારના આરોપી ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમ જેલમાં ગયા બાદ હનીપ્રીતને પંચકુલામાં થયેલી હિંસાના મામલે જેલમાં જવું પડ્યું હતું. હનીપ્રીત 803 દિવસ જેલમાં રહી હતી.


ગુરમીત રામ રહીમને બે મહિલા સાથેના રેપ કેસમાં કોર્ટે ઓગસ્ટ 2017માં 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જાન્યુઆરીમાં એક વિશેષ સીબીઆઈ કોર્ટે પણ ગુરમીત રામ રહીમ સહિત અન્ય ત્રણ લોકોને 16 વર્ષ પહેલા થયેલી એક પત્રકારની હત્યામાં આજીવન જેલની સજા સંભળાવી હતી. રામ રહીમને દોષી ઠેરવ્યા બાદ સિરસા અને પંચકુલામાં હિંસા થઈ હતી જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને 260થી વધુ લોકો ઘાયલ થયા હતા.