પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 12 વર્ષના એક છોકરાને ઓસ્ટ્રેલિયામાં રહેતી તેની માતા પાસેથી "મુક્ત" કરવાની માંગ કરતી અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે માતાપિતાને પોતાના જ બાળકનું અપહરણ કરવા બદલ દોષિત ઠેરવી શકાય નહીં કારણ કે બંને સમાન નેચરલ ગાર્ડિયન છે. કોર્ટે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 361 અને હિન્દુ લઘુમતી સંરક્ષણ અધિનિયમ, 1956 ની કલમ 6 ની જોગવાઈઓનો અભ્યાસ દર્શાવે છે કે કોઈ ઘટનાને અપહરણ તરીકે માનવા માટે આવશ્યક છે કે સગીરા બાળકને "કાયદેસર વાલી" ના સંરક્ષણથી દૂર લઈ જવામાં આવે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, "કોર્ટનું માનવું છે કે કોઇ માતાપિતાને પોતાના બાળકના અપહરણ માટે દોષિત ઠેરવી શકાય નહીં કારણ કે બંને માતાપિતા બાળકના સમાન નેચરલ ગાર્ડિયન છે.

કોર્ટે આ ટિપ્પણી એક છોકરા સાથે સંબંધિત કેસમાં કરી હતી, જેના ગુરુગ્રામના રહેવાસી કાકા એ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી હતી જેમાં બાળકની માતા પર બાળકને "ગેરકાયદેસર રીતે" તેમની કસ્ટડીમાંથી છીનવી લેવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

અરજદારે રાજ્યને એ નિર્દેશ આપવાની માંગ કરી હતી કે તે પોતાના ભાઇના સગીર દીકરાને તેની માતાની "ગેરકાયદેસર કસ્ટડી"માંથી મુક્ત કરાવવામા આવે. અરજદારે જણાવ્યું હતું કે 24 એપ્રિલના રોજ બાળકના પિતા બેલ્જિયમમાં એક સંમેલનમાં ભાગ લેવા ગયા હતા ત્યારે સગીરાની માતાએ "તેમની ઓફિસમાં ઘૂસીને બાળકનો પાસપોર્ટ ચોરી લીધો હતો અને વહેલી સવારે સગીરને જગાડીને તેને પોતાની સાથે લઈ ગઈ હતી’

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે બાળકની કસ્ટડીને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એક પુરુષને પોતાની આઠ વર્ષની પુત્રીની વચગાળાની કસ્ટડી આપવાનો ઇનકાર કર્યો છે કારણ કે તે તેની સાથે રહેવા દરમિયાન એક દિવસ માટે પણ ઘરે રાંધેલું ભોજન દીકરીને આપવામાં નિષ્ફળ રહ્યો હતો. કોર્ટે બાળકના માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો છે.

આ કેસ કેરળ હાઈકોર્ટના આદેશ સાથે સંબંધિત હતો જેમાં માતાપિતાને દર મહિને 15-15 દિવસ બાળકીની સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચ - જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાએ બાળકી સાથે વાત કર્યા પછી અને તેની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી શોધી કાઢ્યું કે પિતા દ્વારા આપવામાં આવતું વાતાવરણ છોકરી માટે યોગ્ય નથી.