Kedarnath Temple : કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગમાંનું એક છે અને ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે અને અક્ષય તૃતિયાના પવિત્ર તહેવારની આસપાસ શુભ મુહૂર્ત જોયા પછી તેને ફરીથી ખોલવામાં આવે છે. કપાટ ખોલવાની પ્રક્રિયામાં વિવિધ પરંપરાગત વિધિઓનો સમાવેશ થાય છે.

કપાટ ખુલતાની સાથે જ હજારો ભક્તો બાબા કેદારના દર્શન કરવા માટે મંદિરમાં પહોંચી જાય છે. આ શુભ પ્રસંગ માટે મંદિર અને તેની આસપાસના પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ધામને સજાવવા માટે લગભગ 108 ક્વિન્ટલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેદારનાથ ધામ રુદ્રપ્રયાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી 11,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલું છે.

150થી વધુ સ્વયંસેવકોએ દિવસ-રાત કામ કર્યું

ગુજરાતના વડોદરાના રહેવાસી શ્રીજલ વ્યાસ મંદિરને સજાવવામાં રોકાયેલા સ્વયંસેવકોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શણગાર માટે ગુલાબ અને ગલગોટા સહિત 54 પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ ફૂલો નેપાળ, થાઇલેન્ડ અને શ્રીલંકા ઉપરાંત દિલ્હી, કાશ્મીર, પુણે, કોલકતા અને પટનાથી લાવવામાં આવ્યા છે. વ્યાસે જણાવ્યું હતું કે ગલગોટાના ફૂલો ખાસ કરીને કોલકતાના એક ચોક્કસ ગામથી લાવવામાં આવે છે કારણ કે સ્થાનિક જાતોથી વિપરીત, આ ફૂલો ઝડપથી કરમાઈ જતા નથી અને સરેરાશ 10-15 દિવસ સુધી તાજા રહે છે. પશ્ચિમ બંગાળના 35 કલાકારોએ પણ મંદિરને સજાવવામાં મદદ કરી છે. શિયાળા દરમિયાન ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં રાખવામાં આવતી ભગવાન શિવની મૂર્તિ ગૌરીકુંડથી ફૂલોથી શણગારેલી પાલખીમાં રવાના થઈને કેદારનાથ ધામ પહોંચી છે.

મંદિરના દરવાજા સવારે 7 વાગ્યે ખુલશે

કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી ભીમાશંકર લિંગે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 7 વાગ્યે મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે મંદિર ખોલવાની તૈયારીઓ સવારે છ વાગ્યે શરૂ થશે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય થપલિયાલે અહીં જણાવ્યું હતું કે આ વખતે ભક્તોને કેદારનાથમાં કંઈક નવું જોવા મળશે. તેમણે કહ્યું કે કાશી, હરિદ્વાર અને ઋષિકેશમાં થતી ગંગા આરતીની જેમ આ વખતે મંદિરના કિનારે મંદાકિની અને સરસ્વતીના સંગમ પર ભવ્ય આરતી શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આરતી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બે નદીઓના સંગમની ત્રણ બાજુ રેમ્પ બનાવવામાં આવ્યા છે જેથી ભક્તો તેના દર્શન કરી શકે. આ વખતે મંદિરની સામે આવેલી નંદીની પ્રતિમા અને મંદિરની નજીક બનેલી આદિ શંકરાચાર્યની પ્રતિમાને પણ ફૂલોથી શણગારવામાં આવી છે.