મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક હેરાન કરતી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં જોત જોતામાં પાર્કિંગમાં ઉભેલી કાર જમીન અંદર સમાઈ ગઈ હતી,જેનો વીડિયો ત્યાં હાજર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કરી રહ્યા છે. 



મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈના ઘાટકોપરમાં રામ નિવાસ નામની સોસાયટીના પાર્કિંગવાળી જગ્યાએ પહેલા કુવો હતો. બાદમાં સોસાયટીના લોકોએ કુવો બુરી નાખ્યો હતો અને ત્યાં ગાડી પાર્કિંગ કરતા હતા. ભારે વરસાદના કારણે ત્યાં ભૂવો પડ્યો હતો અને કાર તેમાં સમાઈ ગઈ હતી. કાર પંકજ મહેતા નામના વ્યક્તિની હતી. કારમાં આ ઘટના બની ત્યારે કોઈ હાજર નહોતુ એટલે કોઈ પ્રકારનું જાનમાલને નુકસાન નથી થયું. લોકલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.


બીએમસીએ આ ઘટનાની જવાબદારી લેવાનો ઈનકાર કર્યો હતો. મુંબઈ નગર નિગમે એક નિવેદનમાં  કહ્યું આ ઘટના સાથે તેમને કોઈ લેવા દેવા નથી. એમ જણાવ્યું કે આ ઘટના એક પ્રાઈવેટ સોસાયટીની છે,  આ સોસાયટીમાં એક કુવો હતો, આરસીસી દ્વારા કુવાને અડધો કવર કરવામાં આવ્યો હતો. સોસાયટીના લોકો આરસીસી પર વાહન પાર્ક કરતા હતા. જેના કારણે આરસીસી પર ઉભેલી એક કાર પાણીમાં ડૂબી ગઈ છે.