Parliament Monsoon Session:  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે (7 ઓગસ્ટ) રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કરવા જઈ રહ્યા છે. જેને લઈને વિરોધ પક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રવિવાર (6 ઓગસ્ટ)ના રોજ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસએ પોતપોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યા હતા.


આ પહેલા 3 ઓગસ્ટના રોજ આ બિલ લોકસભામાં વોઈસ વોટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે  ઈન્ડિયા (I.N.D.I.A.) ગઠબંધનના સાંસદોએ વોકઆઉટ કર્યું. આમ આદમી પાર્ટીએ તેના તમામ રાજ્યસભા સાંસદોને 7 અને 8 ઓગસ્ટે સંસદમાં રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ તેના રાજ્યસભાના સાંસદોને 7 ઓગસ્ટે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો છે.


ઈન્ડિયા અને કોંગ્રેસના સાંસદોની બેઠક


આ ઉપરાંત સોમવારે વિપક્ષની મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં સવારે 10 વાગ્યે ઈન્ડિયાના ફ્લોર લીડર્સની બેઠક યોજાશે. વિપક્ષી દળોની બેઠક બાદ સવારે 10.30 વાગ્યે કોંગ્રેસના સાંસદોની બેઠક મળશે. દિલ્હી સર્વિસ બિલ પર કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ રવિવારે કહ્યું કે આ બિલ પર ઈન્ડિયાનું વલણ સ્પષ્ટ છે, અમે તેની વિરુદ્ધ છીએ.


વિરોધી પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે


ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સંશોધન) બિલ-2023 દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ સાથે સંબંધિત છે. કેન્દ્રએ ગયા મે મહિનામાં દિલ્હીમાં સેવાઓ સંબંધિત વટહુકમ બહાર પાડ્યો હતો. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર આનો સખત વિરોધ કરી રહી છે. AAPની સાથે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના ઘટક દળો પણ બિલના વિરોધમાં છે.


રાજ્યસભાનું સમીકરણ શું છે?


લોકસભામાં ભાજપની બહુમતી હોવાને કારણે ત્યાંથી બિલ સરળતાથી પસાર થઈ ગયું હતું. હવે આ બિલને રાજ્યસભામાંથી પસાર કરાવવાનો ભાજપ સામે મોટો પડકાર છે. કારણ કે ભાજપના નેતૃત્વમાં એનડીએ પાસે ત્યાં બહુમતી નથી. રાજ્યસભામાં હાલમાં 238 સાંસદો છે અને આ બિલ પસાર કરવા માટે ભાજપને 119 સભ્યોની જરૂર પડશે (કારણ કે BSPએ બહિષ્કારની જાહેરાત કરી છે).


સરકારનું કેટલું સમર્થન?


રાજ્યસભામાં ભાજપ પાસે હાલમાં 92 સાંસદો છે. જો કે એનડીએના સાથી પક્ષો સહિત આ સંખ્યા 103 થઈ જાય છે. આ સિવાય પાંચ નામાંકિત સાંસદોનો પણ સમાવેશ થાય છે. નામાંકિત સાંસદો ઘણીવાર સરકારના સમર્થનમાં મતદાન કરે છે. આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી અને ઓડિશાના સીએમ નવીન પટનાયકની બીજેડીના રાજ્યસભામાં નવ-નવ સાંસદો છે. આ બંને પક્ષો પણ સરકારને સમર્થન આપી શકે છે. સરકારને રાજ્યસભામાં બે સ્વતંત્ર સાંસદોનું સમર્થન પણ મળે તેવી શક્યતા છે.


શું વિરોધ પક્ષો ભાજપને રોકી શકશે?


BSP અને TDP પણ રાજ્યસભામાં એક-એક સાંસદ છે. ટીડીપીએ સરકારને સમર્થન આપવાની વાત કરી હતી જ્યારે બસપા બહિષ્કાર કરવાની છે. જો કોઈ મોટી પાર્ટી વોકઆઉટ કરે છે તો બહુમતીનો આંકડો વધુ ઘટી શકે છે. રાજ્યસભામાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાંસદોની સંખ્યા લગભગ 109 છે. આવી સ્થિતિમાં ભાજપ આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવામાં સફળ થશે તેવું લાગી રહ્યું છે.