Parliament Monsoon Session LIVE: નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક સર્વે, વર્ષ 2024-25માં 6.5થી 7 ટકા GDP ગ્રોથનો અંદાજ
Parliament Monsoon Session LIVE: બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ કરવાની પરંપરા 1964થી શરૂ થઈ હતી
સર્વે અનુસાર છેલ્લા બે વર્ષથી ખાદ્ય ફુગાવો સમગ્ર વિશ્વ માટે પડકાર બની રહ્યો છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર ખરાબ હવામાનનો ભોગ બન્યું છે. પાણીની અછતના કારણે પાકને નુકસાન થાય છે, જેના કારણે ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને તેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધે છે. પરિણામ એ આવ્યું કે ખાદ્ય ફુગાવાનો દર જે નાણાકીય વર્ષ 2022-23માં 6.6 ટકા હતો તે નાણાકીય વર્ષ 2023-24માં વધીને 7.5 ટકા થઈ ગયો છે.
આર્થિક સર્વે અનુસાર, કોરોના મહામારી, વૈશ્વિક તણાવ, સપ્લાય-ચેન વિક્ષેપ, અસમાન ચોમાસાના કારણે ફુગાવામાં વધારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને ખરાબ હવામાનને કારણે ખાદ્યપદાર્થો મોંઘા થઈ ગયા જેના કારણે ભારતમાં સામાન અને સેવાઓ મોંઘી થઈ ગઈ. પરંતુ વહીવટી અને નાણાકીય નીતિની કાર્યવાહી દ્વારા દેશમાં ફુગાવાને અંકુશમાં લેવામાં સફળતા મળી છે. નાણાકીય વર્ષ 2022-23માં મોંઘવારી દરને 6.7 ટકાથી ઘટાડીને નાણાકીય વર્ષ 2023-24માં 5.4 ટકા કરવામાં સફળતા મળી છે.
આ આર્થિક સર્વેમાં રોજગાર સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વસ્તીના ગુણોત્તરમાં વૃદ્ધિ સાથે કોરોના મહામારી પછી દેશનો વાર્ષિક બેરોજગારી દર ઘટી રહ્યો છે. 15 વર્ષ કરતા વધુ વય જૂથ માટે શહેરી બેરોજગારીનો દર માર્ચ 2024 માં ઘટીને 6.7 ટકા થયો છે જે ગયા વર્ષે 6.8 ટકા હતો.
સરકાર દ્વારા આર્થિક સર્વેમાં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે સરકારે આ આર્થિક સર્વેમાં એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોને કારણે દેશને નિકાસ મોરચે થોડો આંચકો લાગી શકે છે, પરંતુ સરકાર આ અંગે પણ સંપૂર્ણ રીતે સજાગ છે. એવું કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક કારોબારમાં પડકારોની સંભાવના છે. હકીકતમાં વૈશ્વિક અનિશ્ચિતતા મૂડી પ્રવાહ પર અસર કરી શકે છે.
કેન્દ્ર સરકાર 23 જૂલાઈએ 2024-25નું બજેટ રજૂ કરશે અને તે પહેલા નાણામંત્રીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આર્થિક સર્વે 2023-24 લોકસભામાં બપોરે 12:10 વાગ્યે રજૂ કરવામાં આવ્યો હતો. લોકસભામાં રજૂ કરાયેલા આ આર્થિક સર્વેમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન ખાનગી ક્ષેત્ર અને પીપીપી પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મોદી 3.0 દ્વારા રજૂ કરાયેલા આર્થિક સર્વે FY25માં ભારતના જીડીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે દેશની જીડીપી વૃદ્ધિ 6.5 થી 7 ટકા રહેવાનો અંદાજ છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે 'દેશમાં બિઝનેસ શરૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. તેમજ આવા ઘણા નિયમો દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે ઉદ્યોગપતિઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સેન્ટ્રલ સિસ્ટમ બનાવવામાં આવી છે.
જ્યારે વિપક્ષી સાંસદોએ લોકસભામાં NEET પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી. આ (NEET) કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. હું પૂરી જવાબદારી સાથે કહી શકું છું કે NTA પછી 240 થી વધુ પરીક્ષાઓ સફળતાપૂર્વક લેવામાં આવી છે."
રાહુલ ગાંધીના સવાલ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, 2010માં રિમોટથી સરકાર ચલાવનારાઓ શિક્ષણ સુધારા અંગે બિલ લાવ્યા હતા, પરંતુ કાયદો બનાવી શક્યા ન હતા.વિવાદાસ્પદ NEET-UG પરીક્ષા સંબંધિત મામલાને લઈને સંસદમાં હંગામો થઈ રહ્યો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સવાલ પર કહ્યું કે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે પરીક્ષા સિસ્ટમમાં ઘણી ખામીઓ છે. શિક્ષણ મંત્રીએ દરેકની ખામીઓ ગણાવી, પણ પોતાની ખામીઓ ગણાવી નહીં. શિક્ષણ મંત્રીને મારો પ્રશ્ન છે કે તમે આ સમસ્યાના નિરાકરણ માટે શું કરી રહ્યા છો?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે NEET વિવાદથી લાખો વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પરીક્ષા સિસ્ટમમાં મોટી ખામીઓ છે અને પૈસાના બળે ડિલ શક્ય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પરીક્ષા પદ્ધતિમાં જે પણ ખામીઓ છે તેને દૂર કરવી જોઈએ.
વડાપ્રધાન મોદીએ કેટલીક પાર્ટીઓની 'નકારાત્મક રાજનીતિ'ની ટીકા કરી અને કહ્યું કે તેઓએ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે સંસદના સમયનો ઉપયોગ કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને શ્રાવણના પહેલા સોમવારે શુભેચ્છા પાઠવું છું. આજે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે સમગ્ર દેશની તેના પર નજર છે, તે સકારાત્મક સત્ર હોવું જોઈએ."
પીએમ મોદીએ સંસદ સત્ર પહેલા કહ્યું કે હું દેશના તમામ સાંસદોને કહેવા માંગુ છું કે જાન્યુઆરી પછી આપણે આપણી પાસે જેટલી ક્ષમતા હતી તે બતાવી દીધી છે. દેશની જનતાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. હવે ચૂંટાયેલા સાંસદોની ફરજ લોકો માટે, દેશ માટે છે.
સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું કે આ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે એક મજબૂત પાયો નાખવા જઈ રહ્યું છે. અંગત રીતે, મારા અને મારા સાથીદારો માટે ગર્વની વાત છે કે 60 વર્ષ પછી કોઈ સતત ત્રીજી વખત સત્તામાં આવ્યું છે અને ત્રીજી વખત પ્રથમ બજેટ રજૂ કરવાનો લહાવો મળ્યો. આ સત્ર પર દેશની નજર છે.
સીતારમણ સોમવારે સંસદમાં આર્થિક સર્વે પણ રજૂ કરશે. નાણામંત્રી સીતારમણ 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સંસદની કારોબારી યાદી અનુસાર, નાણામંત્રી લોકસભામાં પ્રશ્નકાળ પછી તરત જ એટલે કે બપોરે 12.30 વાગ્યે અને રાજ્યસભામાં બપોરે 2 વાગ્યે આર્થિક સર્વે રજૂ કરશે. એટલે કે આર્થિક સર્વે ઔપચારિક રીતે બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ પછી બપોરે 2:30 વાગ્યે મુખ્ય આર્થિક સલાહકારની પ્રેસ કોન્ફરન્સ થશે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, ખેડૂત કલ્યાણ માટે બજેટમાં ત્રણ મહત્વપૂર્ણ જાહેરાતોની જરૂર છે.
- MSP ને કાનૂની દરજ્જો
- સ્વામિનાથન ફોર્મ્યુલાના આધારે MSP નક્કી કરવામાં આવે
- ખેડૂતો માટે લોન માફી
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું, "ગઈકાલે અમારી સર્વપક્ષીય બેઠક થઈ હતી અને તેમાં અમે વિપક્ષના તમામ મુદ્દાઓ નોંધ્યા છે. સરકાર ચર્ચા માટે તૈયાર છે. આપણે જે વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય મેળવ્યું છે તેમાં બધા સાથે મળીને કામ કરશે તો સારુ રહેશે.
લોકસભામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પેપર લીકના મુદ્દે UPSC વિવાદ અને મણિકમ ટાગોરને ચર્ચા કરવા માટે સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે.
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સંસદનું આ સત્ર તોફાની બને તેવી શક્યતા છે. રવિવારે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે આનો સંકેત આપ્યો હતો. વિપક્ષે NEET પેપર લીક, કાંવડ યાત્રા અંગે યુપી સરકારના નિર્ણય, બિહાર-આંધ્રને વિશેષ દરજ્જો આપવા સહિતના વિવિધ મુદ્દાઓ પર સત્રમાં ચર્ચાની માંગ કરી છે.
બ્રેકગ્રાઉન્ડ
Parliament Monsoon Session LIVE: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જૂલાઈએ NDA ગઠબંધન સરકારનું પ્રથમ અને PMના નેતૃત્વવાળી મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરશે. આને કેન્દ્રીય બજેટ કહેવામાં આવે છે. કેન્દ્રીય બજેટના એક દિવસ પહેલા એટલે કે 22 જુલાઈએ સંસદમાં "આર્થિક સર્વે" રજૂ થઈ શકે છે. આર્થિક સર્વે એક રિપોર્ટ કાર્ડ જેવું છે જેમાં છેલ્લા નાણાકીય વર્ષના હિસાબ હોય છે.
1964 થી બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વેની પરંપરા
પ્રથમ આર્થિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યું હતું. બજેટના એક દિવસ પહેલા રજૂ કરવાની પરંપરા 1964થી શરૂ થઈ હતી. આના માધ્યમથી જનતાને માત્ર અર્થવ્યવસ્થાની સાચી સ્થિતિ જ નહીં પરંતુ સરકાર અનેક પડકારો વિશે પણ જણાવે છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે પણ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
રોકાણકારો આર્થિક સર્વે પર નજર રાખે છે
સર્વેમાંથી સામાન્ય લોકોને માત્ર મોંઘવારી અને બેરોજગારીના આંકડા જ નહીં પરંતુ રોકાણ, બચત અને ખર્ચ અંગેના આઇડિયા પણ મળે છે. ધારો કે સરકારનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે તો આ ક્ષેત્ર રોકાણકારોને આકર્ષી શકે છે. મતલબ કે આનાથી સેક્ટર મુજબની શક્યતાઓનો ખ્યાલ આવે છે. આ સર્વેમાં માત્ર સરકારની નીતિઓ વિશે જ માહિતી આપવામાં આવતી નથી, પરંતુ આર્થિક સર્વે સરકારની નીતિઓ વિશે પણ ભવિષ્યના આર્થિક દૃષ્ટિકોણ વિશે પણ જણાવે છે, તેથી જ તેને બજેટ પહેલાં રજૂ કરવાની પરંપરા છે.
કેન્દ્રીય બજેટ આ પ્રકારનું હોઈ શકે છે
ચૂંટણી પરિણામો પછી પીએમ મોદીએ મધ્યમ વર્ગ અને ઘરેલું બચત વધારવાની વાત કરી હતી તેથી નિષ્ણાતોનું કહેવું છે કે મોદી સરકાર મધ્યમ વર્ગ પર ફોકસ રહેશે. મતલબ કે ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં કરદાતાઓને રાહત મળી શકે છે. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરદાતાઓને રાહત આપશે તેવી શક્યતા છે. નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ ફ્રી ઇનકમ 3 રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરી શકાશે. જેના કારણે 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો 10,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.
આર્થિક સર્વે એ નાણાકીય દસ્તાવેજ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો ન હતો. આર્થિક સર્વેક્ષણના 3 ભાગ છે. પ્રથમ ભાગમાં અર્થવ્યવસ્થાને લગતી મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. તેમાં અર્થતંત્રના વિકાસની ગતિ વધારવા માટેની શક્યતાઓ, પડકારો અને ગતિને વધારવા માટે લેવામાં આવનારા પગલાઓ વિશે માહિતી છે.
બીજા ભાગમાં વિવિધ ક્ષેત્રોની કામગીરી અને તેને લગતો ડેટા છે. ત્રીજા ભાગમાં રોજગાર, મોંઘવારી, આયાત-નિકાસ, બેરોજગારી અને ઉત્પાદન જેવી અન્ય મહત્વપૂર્ણ માહિતી છે.
આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે?
આર્થિક સર્વે રીલિઝ કરતા અગાઉ નાણામંત્રીની મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ નાણામંત્રી દ્વારા આર્થિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે અને તે પછી મુખ્ય આર્થિક સલાહકાર વર્તમાન નાણાકીય વર્ષની વિગતો રજૂ કરે છે. નાણા મંત્રાલયનો અર્થશાસ્ત્ર વિભાગ મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ આર્થિક સર્વે તૈયાર કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -