Parliament: સંસદ હુમલાની વરસી પર આજે સંસદની અંદર અને બહાર હંગામો થયો હતો. એકબાજુ લોકસભાની અંદર બે યુવકો દર્શકોની ગેલેરીમાંથી કૂદીને સાંસદોની બેન્ચ સુધી પહોંચ્યા અને કલર ગેસ છાંટ્યો. બીજીબાજુ સંસદની બહાર એક યુવક અને યુવતીએ ગેસનો છંટકાવ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. જેના કારણે સંસદ સંકુલની બહાર હોબાળો મચી ગયો હતો.
સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.
આ ઘટના સંસદ ભવન બહાર અને ટ્રાન્સપોર્ટ ભવનની સામે બની હતી. દિલ્હી પોલીસે કહ્યું છે કે બંનેને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સાથે ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ પણ પૂછપરછ કરી રહી છે.
સંસદની બહાર વિરોધ કરી રહેલા લોકોએ ભારત માતા કી જય, જય ભીમ જેવા નારા લગાવ્યા, કલર ગેસ છોડ્યા પછી સરમુખત્યારશાહી નહીં ચાલે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમની વાત સાંભળવામાં આવી રહી નથી, જેના કારણે તેમણે આ પગલું ભર્યું છે.
લોકસભાની અંદર પણ બે યુવકોએ કર્યો હંગામો
લોકસભામાં ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદી પડનાર યુવકનું નામ સાગર હોવાનું કહેવાય છે. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે જે યુવકો ગૃહમાં કૂદી પડ્યા તે સાંસદના નામે લોકસભા વિઝિટર પાસ પર આવ્યા હતા. ગૃહમાં અરાજકતા ફેલાવવા આવેલા યુવકને સુરક્ષાકર્મીઓએ કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે.
સ્પીકર ઓમ બિરલાએ શું કહ્યું ?
આ ઘટના અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસને પણ સૂચના આપવામાં આવી છે. અમે બધા ચિંતિત હતા કે તે ધુમાડો શું છે. વાસ્તવમાં તે એક સામાન્ય ધુમાડો હતો.
22 વર્ષ પહેલા આજના જ દિવસે થયો હતો હુમલો
તમને જણાવી દઈએ કે 22 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકી હુમલો થયો હતો. આ સમયે પણ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આ સમયે સંસદમાં મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો સંસદની સુરક્ષામાં મોટી ક્ષતિ રહી છે.