Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી વિવાદીત કૃષિ કાયદાઓને પરત લેવા અંગેનું બિલ આજે રજૂ કરવામાં આવી શકે છે. તે સિવાય પેગાસસ જાસૂસી વિવાદ, મોંઘવારી, બેરોજગારી અને ચીન દ્ધારા ભારતની જમીન પચાવી પાડવા સહિતના મુદ્દા પર વિરોધ પક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સૂત્રોએ કહ્યું કે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસ લોકસભા તરફથી કૃષિ કાયદાઓ પરત લેવા અંગેનું બિલ પાસ કર્યા બાદ સોમવારે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિલને લોકસભામાં પાસ કર્યા બાદ તેને રાજ્યસભામાં લાવવામાં આવશે. બિલ એ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અંગેના છે જેના વિરુદ્ધ ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.






બિલનો ઉદ્દેશ્ય અને કારણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે આઝાદીનું 75મું વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે તો સમયની જરૂર છે કે તમામ સમાવેશી પ્રગતિ અને વિકાસના રસ્તા પર સાથે લેવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદાઓને રદ કરવાનો પ્રસ્તાવ છે.


સંસદનું આ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે. સરકાર આ દરમિયાન 26 બિલ રજૂ કરશે. કૃષિ કાયદાઓ પરત લેવા અંગેના બિલ સિવાય ક્રિપ્ટોકરન્સી પર રેગ્યુલેશનને લઇને બિલ રજૂ કરાશે. આ બિલ કેટલાક ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધને લઇને અને આરબીઆઇની ડિઝિટલ કરન્સીને મંજૂરી આપવા સંબંધિત છે.



નોંધનીય છે કે રવિવારે સરકાર તરફથી સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સરકાર તરફથી વિપક્ષી દળોને વિશ્વાસ અપાવ્યો હતો કે તે વિપક્ષના સકારાત્મક ભલામણો પર વિચાર કરવા તૈયાર છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી પહોંચ્યા નહોતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બેઠકનો બહિષ્કાર કર્યો હતો.