નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. વિપક્ષ આર્થિક મંદી, બેરોજગારી, ખેડૂતો અને કાશ્મીરની સ્થિતિના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. જ્યારે મોદી સરકાર વિવાદિત નાગરિકતા (સંશોધન) બિલ આ સત્રમાં લાવવાની તૈયારીમાં છે. સંસદનું શિયાળુ સત્ર 13 ડિસેમ્બર સુધી ચાલશે.




શિયાળુ સત્રમાં પહેલા રવિવારે સરકાર દ્વારા તમામ પક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેઓએ કહ્યું કે સંસદનું સૌથી મહત્વનું કામ એ ચર્ચા કરવાનું છે. આ સત્ર પણ ગત સત્રની જેમ પરિણામ આપનારું હોવું જોઈએ. સંસદમાં સકારાત્મક ચર્ચા અધિકારીઓને પણ સચેત રાખે છે. મોદી સરકાર આ સત્રમાં 27 જેટલા બિલ લાવવાની તૈયારીમાં છે.

કૉંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદ સહિત વિપક્ષ નેતાઓને જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા જેવા નેતાઓને કસ્ટડીમાં રાખવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આર્થિક મંદી અને બેરોજગારી જેવા મુદ્દાઓ સત્રમાં ઉઠાવશે. ગુલામ નબી આઝાદે કહ્યું કે એક સાંસદને ગેરકાયદેસર રીતે કઈ રીતે કસ્ટડીમાં રાખી શકાય ? તેમને સંસદીય પ્રક્રિયામાં સામેલ થવાની અનુમતિ આપવી જોઈએ. ફારુક અને તેનો પુત્ર ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાના નિર્ણય બાદથી જ કસ્ટડીમાં છે.

લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વિપક્ષે માંગ કરી છે કે સત્ર દરમિયાન આર્થિક મંદી, બેરોજગારી અને કૃષિના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ.