Parliament Winter Session:  સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે શુક્રવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભારે હોબાળો શરૂ થયો હતો. આ પછી સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી હતી. તેમણે સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગૃહમાં હંગામો અને દેખાવો સહન કરવામાં આવશે નહીં. આ ગૃહની ગરિમાની વિરુદ્ધ છે.






એક મોટા નિર્ણયમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદના ગેટ પર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મુક્યો છે. ઓમ બિરલાએ એક દિવસ પહેલા સંસદમાં કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે થયેલી ધક્કામુક્કી બાદ આ નિર્ણય લીધો છે. એક દિવસ પહેલા સંસદના ગેટ પર પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સાંસદોએ એકબીજા સાથે ધક્કામુક્કી કરી હતી. દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


લોકસભાના સમાપન સમારોહ દરમિયાન એવી પરંપરા છે કે સમાપન ભાષણ શાસક પક્ષ અને વિપક્ષના નેતા દ્વારા આપવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે લોકસભાની કાર્યવાહી સમાપન ભાષણ વિના અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હોય.






રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઈન્ડિ ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોના સાંસદોએ રાજ્યસભામાં ડૉ. બી.આર. આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીના વિરોધમાં વિજય ચોકથી સંસદ સુધી કૂચ શરૂ કરી હતી. તેઓ અમિત શાહનું રાજીનામું માંગી રહ્યા છે.






સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે, "ભાજપના બંને ઘાયલ સાંસદોની હાલત હવે સ્થિર છે. "સાંસદ હોવાના કારણે આપણે સંસદીય શિષ્ટાચાર જાળવવો જોઈએ. આપણે જે કહેવું હોય તે મૌખિક રીતે કહેવું પડશે."