Parliamentary standing committee: કેન્દ્રની મોદી સરકારે 24 સંસદીય સમિતિઓની રચના કરી દીધી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે રામગોપાલ યાદવને આરોગ્ય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભાજપ સાંસદ રાધા મોહન સિંહને સંરક્ષણ બાબતોની સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.


ભાજપ નેતા રાધા મોહન દાસ અગ્રવાલને ગૃહ બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નાણાં બાબતોની સંસદીય સમિતિની કમાન ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને મળી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને મહિલા, શિક્ષણ, યુવા અને રમતગમત બાબતોની સંસદીય સમિતિની કમાન મળી છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેને સંચાર અને આઈટી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કંગના રનૌતને આ જ સમિતિની સભ્ય બનાવવામાં આવી છે. રામની ભૂમિકા ભજવી ચૂકેલા અરુણ ગોવિલને વિદેશ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. ભાજપ નેતા સી એમ રમેશને રેલવે બાબતોની સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.




સંસદીય સમિતિઓ કેવી રીતે બનાવવામાં આવે છે?


સંસદીય સમિતિઓનું પુનર્ગઠન દરેક સામાન્ય ચૂંટણી પછી કરવામાં આવે છે કારણ કે સમિતિઓના સભ્યોનું સંસદના વર્તમાન સભ્ય (સાંસદ) હોવું જરૂરી છે. જોકે, વિભાગ-સંબંધિત સ્થાયી સમિતિઓનું દર વર્ષે પુનર્ગઠન કરવામાં આવે છે, જ્યારે સંયુક્ત સંસદીય સમિતિઓ જેવી અન્ય ઘણી સમિતિઓમાં જ્યારે કોઈ સભ્ય નિવૃત્ત થાય છે અથવા તેની લોકસભા બેઠક ગુમાવે છે, ત્યારે તેમાં ફેરફાર કરવામાં આવે છે. આ પેનલ્સ સંસદમાં બધા પક્ષોના સભ્યોને સદનમાં દરેક પક્ષના આનુપાતિક પ્રતિનિધિત્વના આધારે પસંદ કરે છે.


આ સંસદીય સમિતિઓનો હેતુ સંસદના મામલાઓ પર નજર રાખવાનો અને કાયદા નિર્માણમાં સલાહકારની ભૂમિકા નિભાવવાનો છે. વિભાગ-સંબંધિત 24 સ્થાયી સમિતિઓ છે જે તેમના અધિકાર ક્ષેત્રમાં સરકારના બધા મંત્રાલયો/વિભાગોને આવરી લે છે. આમાંથી દરેક સમિતિમાં 31 સભ્યો હોય છે. જેમાં 21 લોકસભામાંથી અને 10 રાજ્યસભામાંથી ચૂંટવામાં આવે છે. આ સભ્યો લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવે છે.


સંસદની સ્થાયી સમિતિઓમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો હોય છે. એક સભ્ય માત્ર એક સમિતિમાં હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સભ્ય ગૃહ વિભાગની સમિતિનો સભ્ય હોય, તો તે વિદેશી બાબતોની સમિતિનો સભ્ય બની શકતો નથી. સમિતિના સભ્યોમાંથી એકને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. એટલું જ નહીં, કોઈ મંત્રી સંસદીય સમિતિના સભ્ય પણ બની શકતા નથી. જો કોઈ સમિતિના સભ્ય બન્યા પછી કોઈ સભ્ય મંત્રી બને તો તેણે તે સમિતિના સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે. સંસદીય સમિતિના સભ્ય ગમે ત્યારે પોતાનું પદ છોડી શકે છે.


આ પણ વાંચોઃ


Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ