પટના: લોક જનશક્તિ પાર્ટીમાં વિભાજન થયા બાદ અને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ગુરૂવારે એલજેપીના બળવાખોર ગ્રુપે પશુપતિ પારસને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટી લીધા છે. મહત્વનું છે કે એલજેપી નેતા સૂરજભાન સિંહના ઘર પર પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ચૂંટણી કરાવવામાં આવી, જેમાં માત્ર પશુપતિ પારસે ઉમેદવારી નોંધાવી હતી. તેવામાં તેમને બિનહરીફ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટી લેવામાં આવ્યા છે. પાર્ટી નેતા સૂરજભાન સિંહે પત્રકાર પરિષદ દરમિયાન આ વાતની જાહેરાત કરી છે. આ દરમિયાન માત્ર બળવાખોર જૂથના નેતાઓ હાજર રહ્યાં હતા.


પાર્ટીમાં માલિકી હકને લઈને વિવાદ


મહત્વનું છે કે ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ વચ્ચે પાર્ટીના માલિકી હકને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. પાંચ સાંસદોને પોતાના પક્ષમાં કરી પશુપતિ પારસે પાર્ટીની કમાન પોતાના હાથમાં લેવાનો પ્લાન બનાવી લીધો છે. પરંતુ ચિરાગ પોતાનું પદ છોડવા તૈયાર નથી.


ચૂંટણી દ્વારા કરવામાં આવી અધ્યક્ષની પસંદગી


તેવામાં બુધવારે પશુપતિ પારસ પટના પહોંચ્યા અને ગુરૂવારે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં તેમને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. આ બેઠકમાં સાંસદ પ્રિન્સ રાજ સામેલ થયા નહીં. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પશુપતિ પારસ છેલ્લા ઘણા મહિનાથી તખ્તાપલટની ફિરાકમાં હતા. ચિરાગે પણ આ વાત સ્વીકારી છે. તેમણે પોતાના કાકા પશુપતિ પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે.


તો સાંસદ પશુપતિ પારસનું કહેવુ છે કે તેમણે પાર્ટી તોડી નથી, પરંતુ બચાવી છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીનું અસ્તિત્વ ધીમે-ધીમે ખતમ થઈ રહ્યુ હતું. તેવામાં રામવિલાસ પાસવાની પાર્ટી અને તેમના વિચારને બચાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપતિ પારસના જૂથમાં સામેલ નેતાઓ પણ આ વાત કહી રહ્યાં છે.