Patna Spice Jet Fire Video: પટના થી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં લાગેલી આગની ઘટનાનો હવે લાઈવ વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો. આ વીડિયો એક યાત્રીએ પોતાના કેમેરામાં કૈદ કર્યો હતો. જ્યારે પ્લેન ટેક ઓફ થઈને શહેરની ઉપર પહોંચ્યું ત્યારે શહેરનો આકાશી નજારો કેમેરામાં કૈદ કરવા માટે યાત્રીએ પોતાનો કમેરો ચાલુ કરીને વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી અને આગની ઘટનાનો સમગ્ર વીડિયો કેમેરામાં કૈદ થયો હતો. વીડિયોમાં દેખાય છે કે, પ્લેનના એંજીનમાં લાગેલી આગની જ્વાળાઓ વિકરાળ હતી. 


185 મુસાફરો સવાર હતાઃ
જણાવી દઈએ કે, પટનાથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું, આ ઘટના રવિવારે બપોરે 12 વાગ્યા પછી બની હતી. પ્લેને ઉડાન ભર્યાના થોડી જ વારમાં એન્જિનમાં આગ લાગી હતી. જ્યારે પ્લેનમાં આગ લાગી ત્યારે પ્લેન ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. પટના એરપોર્ટ ઓથોરિટીને પ્લેનમાં આગની જાણ ફુલવારીશરીફના એક યુવક દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં કુલ 185 મુસાફરો સવાર હતા.




જમીન પરથી દેખાઈ આગની જ્વાળાઓઃ
રિપોર્ટ મુજબ આ પ્લેન જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 12.10 વાગ્યે દિલ્હી જવા ઉડ્યું હતું. ટેક-ઓફની થોડીવાર બાદ આ વિમાનના એંજીનમાં આગ લાગી હતી. નવાઈની વાત એ છે કે લોકોએ આ પ્લેનના પંખામાં આગ જમીન પરથી જોઈ હતી. લોકોએ પ્લેનના પંખામાંથી જ્વાળાઓ નીકળતી જોઈ અને તરત જ પટના પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ઘટનાની જાણ એરપોર્ટને કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિમાનને પરત લાવવામાં આવ્યું હતું. પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ પ્લેનને બિહતા એરફોર્સ પર લેન્ડ કરવામાં આવશે, પરંતુ પછી આ પ્લેનને પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું.