કોંગ્રેસના નેતા પવન ખેરાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ખેરાને સવારે દિલ્હીથી છત્તીસગઢ જતા કથિત રીતે અટકાવવામાં આવ્યા હતા. પક્ષના નેતાઓએ આ અંગે એરપોર્ટ પર વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ખેરાને દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું છે કે પવન ખેરાને રાયપુર ન લઈ જવાની સૂચનાઓ મળી હતી.
દિલ્હી પોલીસનો દાવો છે કે આસામ પોલીસની ભલામણ પર દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી છે. આસામ પોલીસના આઈજીપી પ્રશાંત કુમાર ભુયાને સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા પવન ખેરા વિરુદ્ધ આસામના દિમા હસાઓના હાફલોંગમા કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આસામ પોલીસ તેના રિમાન્ડ લેવા દિલ્હી રવાના થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે આસામ પોલીસે દિલ્હી પોલીસને પવન ખેરાની ધરપકડ કરવા માટે અપીલ કરી હતી. સ્થાનિક કોર્ટની પરવાનગી લીધા બાદ તેમને આસામ લાવવામાં આવશે. પવન ખેરાએ પણ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આસામ પોલીસની આ કાર્યવાહીને આ નિવેદન સાથે જોડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ખેરાએ થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મળતી માહિતી મુજબ, તેની સામે લખનઉમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે, ખેરાને રાયપુર જવા માટે ફ્લાઈટમાં ચઢતા અટકાવાયા હતા. બાદમાં તેમને સામાન ચેક કરાવવાના બહાને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસનો આરોપ છે કે આસામ પોલીસ વોરંટ લઈને એરપોર્ટ પહોંચી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું હતું કે આ કેટલું મનસ્વી છે? શું કાયદાનું શાસન છે? કયા આધારે અને કોના આદેશ પર આ કરવામાં આવી રહ્યું છે? કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેને સરમુખત્યારશાહી ગણાવી છે. તેમનું કહેવું છે કે પવન ખેરાને દિલ્હી પોલીસે રાયપુરની ફ્લાઈટમાંથી ઉતાર્યા હતા. સરમુખત્યારશાહીનું બીજું નામ 'અમિતશાહી' છે. મોદી સરકાર આપણા રાષ્ટ્રીય સંમેલનને ખોરવી નાખવા માંગે છે. અમે ડરવાના નથી, દેશવાસીઓ માટે લડતા રહીશું.
કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ બાબતને ટ્વિટ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઈન્ડિગોની ફ્લાઈટ 6E-204 દ્વારા દિલ્હીથી રાયપુર જઈ રહ્યા હતા. દરેક વ્યક્તિ ફ્લાઈટમાં ચઢી ગયા હતા, અમારા નેતા પવન ખેડાને ફ્લાઈટમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. આ તાનાશાહી વલણ છે. સરમુખત્યારે સંમેલન પહેલા EDના દરોડા પાડ્યા હતા અને હવે તેણે આવા કૃત્યનો આશરો લીધો છે.
પવન ખેડાએ આ મામલે જણાવ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનો સામાન જોવા માંગે છે. તેમણે એ પણ કહ્યું કે તેમની પાસે હેન્ડબેગ સિવાય કંઈ નથી. જ્યારે તે ફ્લાઈટમાંથી નીચે ઉતર્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ જઈ શકશે નહીં અને ડીસીપી આવે છે.