નવી દિલ્હી: જેડીયૂના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ પવન વર્મા આજે પટના પહોંચ્યા હતા. પટના એરપોર્ટ પર પવન વર્માએ કહ્યું કે મે બિહાર મુખ્મમંત્રી નીતીશ કુમારને આજે પત્ર લખ્યો છે, કારણ કે જેડીયૂની વિચારધારામાં સ્પષ્ટીકરણની જરૂર છે. અમારી પાર્ટીના સિદ્ધાંત નક્કી છે. પવન વર્માએ નીતીશ કુમારને પુછ્યું કે શું ભાજપને દિલ્હીમાં સમર્થન આપવું પાર્ટીના સંવિધાનને અનુકુળ છે? નીતીશ કુમારનો પોતાનો મત ભાજપ વિશે શું છે ?

પવન વર્માએ કહ્યું હું નીતીશ કુમાર સાથે પર્સનલી વાત કરી ચૂક્યો છું. જ્યારે સીએએનું પાર્ટીએ સમર્થન કર્યું હતું ત્યારે મે નીતીશ કુમારને સાર્વજનિક રીતે પોતાના વિરોધ વ્યક્ત કરતા પહેલા વાત કરી હતી. તમામ મુદ્દાઓ પર અમારી વાતચીત થઈ રહી છે. છતાં પણ જો પાર્ટી બિહારથી આગળ વધીને દિલ્હીમાં ભાજપ સાથે ગઠબંધન કરી રહ્યું છે તો મારૂ માનવું છે કે એમાં વૈચારિક સ્પષ્ટીકરણની જરૂર છે.


અંગ્રેજીમાં લખેલા બે પાનાના પત્રમાં પવન વર્માએ નીતિશકુમારને 2012માં થયેલી મુલાકાતની યાદ અપાવી હતી. પત્રમાં તેમણે લખ્યું હતું કે, 2012માં જ્યારે પટણામાં મુલાકાત થઇ તે સમયે ઔપચારિક સ્તર પર હું પાર્ટીમાં સામેલ થયો ન હતો. તમે મને ભાજપ અને આરએસએસની વિભાજનકારી નીતિ અને કેવી રીતે નરેંદ્ર મોદી દેશના ભાવિ માટે યોગ્ય નથી તે અંગે લાંબી ચર્ચા કરી હતી.

જેડીયૂમાં પ્રશાંત કિશોરને સામેલ કરવા અને તેમની તાકાત વધારવા પાછળ પવન વર્માને જ માનવામાં આવી રહ્યા છે. રાજનીતિક વર્તુળોમાં એવી ચર્ચા સામાન્ય છે કે, જેડીયૂના કેટલાક નેતા પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવાથી નાખુશ દેખાઈ રહ્યા છે પરંતુ તે સમયે વર્માએ તેમનો સાથ આપ્યો હતો. પત્રના અંતમાં પવન વર્માએ નીતિશકુમારને પોતાની વિચારધારા સ્પષ્ટ કરવાની અપીલ કરી હતી.