નવી દિલ્હીઃ પેગાસસ જાસૂસી કાંડ હવે રાજકીય સંગ્રામમાં બદલાઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ આ મુદ્દે મોટો સંગ્રામ કરવાનું મન બનાવી લીધું છે. આ મામલાને લઈ વિપક્ષ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે. આ દરમિયાન એવા અહેવાલ આવ્યા છે કે, કોંગ્રેસ નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી આઈટી મામલાની સંસદીય સમિતિ આ મુદ્દે ગૃહ મંત્રાલય સહિત અનેક સરકારી વિભાગોની પૂછપરછ કરશે. જાણકારી મુજબ આ સમિતિ 28 જુલાઈથી પેગાસસ સાથે જોડાયેલા નાગરિક ડેટા સુરક્ષા અને સિક્યોરિટી વિષયને લઈ બેઠક કરશે. આ બેઠકમાં આઈટી મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સભ્યો પણ હિસ્સો લેશે.


પેગાસસને ઇઝરાયેલની સાયબર સુરક્ષા કંપની NSOએ તૈયાર કર્યું છે. બાંગ્લાદેશ સહિત અનેક દેશોએ પેગાસસ સ્પાયવેર ખરીદ્યું છે, જેને લઈને પહેલાં પણ વિવાદ થયો છે. મેક્સિકોથી લઈને સાઉદી આરબની સરકાર સુધી એના ઉપયોગને લઈને સવાલો ઉઠાવ્યા છે. વ્હોટ્સએપની માલિકીવાળી કંપની ફેસબુક સહિત અન્ય કંપનીઓએ પેગાસસ વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે.


જોકે NSOએ પોતાના પર લાગેલા તમામ આરોપને ફગાવ્યા છે. આ કંપની દાવો કરે છે કે એનો ઉદ્દેશ આતંકવાદ અને ગુના વિરુદ્ધ લડવાનો છે. હાલ ભારતમાં ઊહાપોહ ઊભો થયા બાદ પણ કંપનીએ કંઈક આવો જ દાવો કર્યો છે. પેગાસસ એક સ્પાયવેર છે, જેને ઇઝરાયેલી સાઈબર સુરક્ષા કંપની NSO ગ્રુપ ટેક્નોલોજીએ તૈયાર કર્યું છે. આ એક એવો પ્રોગ્રામ છે, જેને કોઈ સ્માર્ટફોનમાં નાખવામાં આવે તો કોઈ હેકર તે સ્માર્ટફોનનો માઈક્રોફોન, કેમેરા, ઓડિયો અને ટેક્સ્ટ મેસેજ, ઈમેલ અને લોકેશન સુધીની જાણકારી મેળવી શકે છે.


સાઇબર સુરક્ષા કંપની કેસ્પરસ્કાયના એક રિપોર્ટ મુજબ, પેગાસસ અન્ક્રિપ્ટેડ ઓડિયો સાંભળવા અને અન્ક્રિપ્ટેડ મેસેજને વાંચવાલાયક બનાવી દે છે. અન્ક્રિપ્ટેડ મેસેજ એવા હોય છે, જેની જાણકારી માત્ર મેસેજ મોકલનાર અને રિસીવ કરનારને જ હોય છે. જે કંપનીના પ્લેટફોર્મ પર મેસેજ મોકલવામાં આવે છે તે તેને સાંભળી કે જોઈ નથી શકતા, પરંતુ પેગાસસના ઉપયોગથી હેક કરનારને તે વ્યક્તિના ફોન સાથે જોડાયેલી તમામ માહિતીઓ સહેલાયથી મળી શકે છે.