ન્યૂયોર્કઃ અમેરિકાએ આખરે સ્વીકાર્યું છે કે ઇરાન દ્ધારા કરવામાં  આવેલા  મિસાઇલ હુમલામાં તેમના 34 સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મિસાઇલ હુમલો ઇરાને પોતાના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે કર્યો હતો. ઇરાને ઇરાકમાં આવેલા અમેરિકાના સૈન્ય બેઝ પર મિસાઇલથી હુમલો કર્યો હતો.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, પેન્ટાગોને શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, ઇરાની હુમલામાં 34 અમેરિકન સૈનિકોને મગજમાં ઇજા પહોંચી છે. પેન્ટાગોનના  પ્રવક્તા જોનાથન હોફમેને  કહ્યું કે, 34માંથી 17 સૈનિક હજુ પણ  દેખરેખ હેઠળ છે.

હૉફમેને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હુમલામાં પ્રભાવિત આઠ જવાનોને  વધુ સારવાર માટે અમેરિકા લઇ જવાયા છે અને જ્યારે બાકીનાની  સારવાર જર્મનીમાં  ચાલી રહી છે. વિભાગના અધિકારીઓએ કહ્યું કે 17 જવાન ડ્યુટી પર પાછા ફર્યા છે જેમાંથી 16ની સારવાર ઇરાક અને એકની  કુવૈતમાં કરવામાં  આવી હતી.

પેન્ટાગોનનું આ નિવેદન મહત્વપૂર્ણ છે કારણ કે ઇરાન દ્ધારા આઠ જાન્યુઆરીના  રોજ ઇરાકમાં  આવેલા અમેરિકાના સૈન્ય બેઝ પર કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતું કે, આઠ જાન્યુઆરીના હુમલામાં એક પણ સૈનિક ઘાયલ થયો નથી. તે સતત ઇનકાર કરતા રહ્યા હતા.