ચેન્નઈઃ AIADMKના પૂર્વ નેતા ટીટીવી દિનાકરનની કાર પર રવિવારે બપોરે પેટ્રોલ બોંબથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના સમયે દિનાકરન કારમાં નહોતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટના દિનાકરનના ડ્રાઈવર, ફોટોગ્રાફર અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ 3 જણા ઘાયલ થયા છે.
પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, પેટ્રોલ બોંબ કારના કાચ સાથે અથડાયા બાદ વિસ્ફોટ થયો અને કાર સળગવા લાગી હતી. જે બાદ કારમાં બેઠેલા લોકો નીચે ઉતરીને ભાગવા લાગ્યા હતા. પેટ્રોલ બોંબના કારણે કારનો કાચ તૂટી ગયો અને તેના ટૂકડા કારમાં સવાર લોકોના શરીરમાં ઘૂસી ગયા.
પોલીસના કહેવા મુજબ, તાજેતરમાં જ દિનાકરનના પક્ષ અમ્મામ મક્કલ મુનેત્રા કઝાગમ (AMMK)માંથી છૂટા કરવામાં આવેલા પરિમલમે પેટ્રોલ બોંબથી હુમલો કર્યો હતો. બોંબ ફેંકતી વખતે તેને થયેલી ઈજાની સારવાર કરાવવા માટે હોસ્પિટલ ગયો ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પરિમલમે કહ્યું કે, તેણે એએમએમકે માટે આશરે 80 લાખ રૂપિયા ખર્ચ્યા હતા તેમ છતાં દિનાકરને તેને હાંકી કાઢ્યો હતો. પોતાને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાનો બદલો લેવા પરિમલમે તેના ડ્રાઇવર સાથે મળીને પેટ્રોલ બોંબથી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ઘટના બાદ દિનાકરનના સમર્થકોએ તમિલનાડુ સરકારને હાઈ સિક્યુરિટી પૂરી પાડવા અપીલ કરી છે.