નવી દિલ્હીઃ કોરોના સંકટના સમયે આમ આદમીને મોટો ઝાટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ગુરૂવારે સતત 12માં દિવસે વધારો જોવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં નરમાઈ જોવા મળી રહી છે. સતત 12માં દિવસે વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 6.55 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે અને ડીઝલની કિંમત 7.06 રૂપિયા પ્રતિ લિટર વધી છે.


ઓઈલ કંપનીઓએ ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ક્રમશઃ 53 પૈસા અને ડીઝલમાં 64 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ77.81 રૂપિયા અને ડીઝલની કિંમત વધીને 76.43 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

ગુજરાતમાં અમદાવાદમાં આજના પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો પેટ્રોલની કિંમત 51 પૈસા વધીને 75.34 રૂપિયા થઈ છે જ્યારે ડીઝલની કિંમત 62 પૈસા વધીને 73.84 રૂપિયા થઈ છે. ગઈકાલે એટલે કે 17 જૂનના રોજ પેટ્રોલની કિંમત 74.83 રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે ડીઝલની કિંમત 73.22 રૂપિયા પ્રતિ લિટર હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ પેટ્રોલ ડીઝલ પર લાગતા વેટમાં રાજ્ય સરકારે 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો.

વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો થવાં છતાં ભારતમાં લોકોને રાહત નથી મળી રહી. વિપક્ષ કોંગ્રેસે સરકાર પાસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો પાછો ખેંચવાની માગ કરી છે. પરંતુ ગુરુવારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત 12માં દિવસે પણ કિંમતમાં વધારો કર્યો છે.

જણાવીએ કે રાજ્યોમાં સેલ્સ ટેક્સ અને વેટ લાગવાથી ક્રૂડની કિંમતમાં અસર થાય છે. ઓઈલ કંપનીઓએ ક્રૂડની કિંમતમાં રોજ ફેરફાર કરવાના શરૂ કર્યા છે. આ પહેલા કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ક્રૂડની કિંમત સતત 82 દિવસ સુધી સ્થિર રહી હતી. કંપનીઓએ રોજ કિંમતમાં ફેરફારને થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી. તમને જણાવીએ કે, સમીક્ષા બાદ રોજ પેટ્રોલ, ડીઝલના ભાવ સવારે છ કલાકે નક્કી કરવામાં આવે  છે.