મુંબઈઃ મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ 1 રૂપિયા મોંઘાં થઈ ગયા છે. રાજ્ય સરકારે શુક્રવારે રજૂ કરેલ પોતાના પ્રથમ બજેટમાં ખેડૂતો મટે દેવા માફી, પેટ્રોલ અને ડીઝલ પર 1 રૂપિયા પ્રતિ લિટર વેટ વધારો અને ઉદ્યોગો માટે વીજળી દર ઘટાડાનો પ્રસ્તાવ આપ્યો છે.


રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજીત પવારે વિધાનસભામાં રજૂ કરેલ 2020-201ના કુલ 3,56,968 કરોડ રૂપિયાની જાવક સામે બજેટમાં 3,47,457 કરોડ રૂપિયાની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો છે. બજેટમાં 1,15,000 કરોડ રૂપિાની વાર્ષિક યોજના અને 9,511 કરોડ રૂપિયાની રેવન્યૂ ખાધ અંદાજ લગાવવામાં આવ્યો છે. રાજકોષીય ખાધ 54,618.38 કરોડ રહેવાનો અંદાજ છે.



મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નેતૃત્વવાળી ગઠબંધન સરકારના પ્રથમ બજેટમાં સંસાધન મેળવવા માટે પેટ્રોલ અને ડીઝલ પર વેટ પ્રતિ લિટર એક રૂપિયાના વધારાની દરખાસ્ત મુકવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું કે, તેનાથી રાજ્યના ખજાનામાં દર વર્ષે 1800 કરોડ રૂપિયાની આવક થશે. બજેટ પ્રસ્તાવમાં ટેક્સ રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે.

નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે રજૂ કરેલા બજેટમાં સ્ટેમ્પ ડયુટીમાં ૧ ટકો ઘટાડો કરતાં રિઅલ એસ્ટેટને પ્રોત્સાહન મળશે અને ઘર ખરીદ કરનારાને રાહત મળશે. એટલે કે વર્તમાન સ્ટેમ્પ ડયુટી ૬ ટકા હતી તે ઘટાડીને પાંચ ટકા કરી છે. તે આગામી બે વર્ષ સુધી મુંબઇ, નાગપુર અને પુણે મહાનગર રિજનર્સને લાગુ પડશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન લગતા કેટલાક ખર્ચામાં રાહતની જોગવાઇ કરી છે.